ધીમી ગતિએ ચાલતા કામોમાં ઝડપ લાવવા તથા યોગ્ય ગુણવત્તા સાથે સમયમર્યાદામાં કામો પૂર્ણ કરવા કોન્ટ્રાક્ટરોને કરેલી તાકિદ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.25 : આજે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દમણમાં વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરીહતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે દમણમાં ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી.
પ્રશાસકશ્રીએ તેમની મુલાકાત દરમિયાન નાની દમણના દલવાડાથી ભીમપોર સુધીના રસ્તાના કામો, નવા ડોમેસ્ટિક એરપોર્ટ અને મોટી દમણ ખાતે ઢોલર ચાર રસ્તા સ્થિત નિર્માણાધીન જમ્પોર રોડ તથા અન્ય રસ્તાઓના ચાલી રહેલા કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું. આ અવસરે પ્રશાસકશ્રી સાથે ઉપસ્થિત રહેલા વિવિધ વિભાગના પ્રશાસનિક અધિકારીઓ, એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરોને ધીમી ગતિએ ચાલતા કામોમાં ઝડપ લાવવા સાથે તમામ વિકાસકામો યોગ્ય ગુણવત્તા સાથે નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવા તાકિદ કરી હતી. ઉપરાંત વિકાસકામોમાં ક્યાંક ક્યાંક રહી ગયેલી ક્ષતિ/ત્રુટીઓને તાત્કાલિક સુધારવા માટે પણ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે જરૂરી નિર્દેશો આપ્યા હતા. આ અવસરે પ્રશાસકશ્રીના ઓ.એસ.ડી. સુશ્રી ચાર્મી પારેખ, દમણના કલેક્ટર શ્રી સૌરભ મિશ્રા, પ્રશાસનિક અધિકારીઓ, એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરો ઉપસ્થિત રહ્યા હતા.