ગુજરાત ભવિષ્યમાં ગ્રીનહાઈડ્રોજન ઉત્પાદનનું મોટું હબ બનશે : મંત્રી કનુભાઈ દેસાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.25: નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના વરદ્ હસ્તે વલસાડ શહેરના દશેરા ટેકરી પાવર હાઉસ ખાતે રૂ.18 કરોડના ખર્ચે નવી બનનારી નવસારી અને ડાંગ જિલ્લાની દક્ષિણ ગુજરાત વીજ કંપનીની અદ્યતન સર્કલ કચેરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું.
સર્કલ કચેરીના ખાતમુહૂર્ત પ્રસંગ્રે મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું હતું કે, જ્યારે ઊર્જાની વાત આવે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીથી જ શરૂઆત કરવી પડે કારણ કે ગુજરાતમાં સૌપ્રથમ 24 કલાક વીજળી આપવાની શરૂઆત જ્યોતિગ્રામ યોજના હેઠળ ડાંગ જિલ્લાથી વડાપ્રધાનએ જ કરી હતી. એમને લોકોએ માત્ર રાત્રે જમવાના સમયે અડધો કલાક વીજળી આપો એવી રજૂઆત કરી હતી પરંતુ તેમણે સુચારૂ આયોજન કરી 24 કલાક વીજળી આપી છે. જ્યારે કોઈ સોલાર ઉર્જાનો વિચાર પણ ન કરતું હતું ત્યારે 2010થી ગુજરાતમાં સોલાર પોલિસી અમલમાં છે. આજે ગુજરાત સોલાર ઉર્જામાં દેશમાં પ્રથમ સ્થાને છે. ગુજરાત 11 હજાર મેગાવોટ ઉર્જા અને 10 હજાર મેગાવોટ સોલાર ઉર્જા ઉત્પાદન કરે છે. સમગ્ર વિશ્વનો સૌથી મોટો 30 હજાર મેગાવોટનો સોલાર પાર્ક ગુજરાતના ખાવડા ખાતે નિર્માણાધીન છે. ગ્રીનહાઈડ્રોજનનું ઉત્પાદન ભવિષ્યમાં ક્લાઈમેટ ચેન્જ સામે લડવામાં મહત્વપૂર્ણ સાબિત થશે અને ગુજરાત ગ્રીન હાઈડ્રોજનના ઉત્પાદનનું મોટું હબ બનશે.
વધુમાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ક્લાઈમેટ ચેન્જના કારણે કોલસાથી વીજળી ઉત્પાદન બંધ થશે. મોદીજીએ કહ્યું છે કે, વિશ્વમાં વર્ષ 2070 સુધી 0 ટકા કાર્બન ઉત્સર્જનનું લક્ષ્ય છે એમાં પણ ભારત આ લક્ષ્ય વર્ષ 2047 સુધી હાંસલ કરી લેશે. ગુજરાત સમગ્ર દેશમાં વ્યક્તિદીઠ 2400 યુનિટ વીજ વપરાશ છે જે દેશના વ્યક્તિદીઠ વપરાશ 1200 યુનિટ કરતા બમણો છે. આ ખેતીવાડી, ઉદ્યોગ અને શહેરીકરણના વિકાસના કારણે શકય બન્યું છે. 2014માં પ્રધાનમંત્રીશ્રીએ દેશની ધૂરા સંભાળી ત્યારે 18 હજાર એવા ગામો હતા જ્યાં વીજળી પહોંચી ન હતી પરંતુ તેમણે માત્ર બે વર્ષમાં જ આ દરેક ગામોમાં વીજળી પહોંચાડી છે.
સાંસદ ડો. કે.સી.પટેલ અને વલસાડ ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધનો કર્યા હતા.
આ નવીન અદ્યતન કચેરીમાં ઊર્જા બચાવ માટે ઊર્જા સરંક્ષણના નિયમોને ધ્યાનમાં લઈને કચેરીનું નિર્માણ કરવામાં આવશે. કુદરતી પ્રકાશનો મહત્તમ ઉપયોગ થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. તદઉપરાંત વીઆરએફ (વેરીયેબલ રેફરીજન્ટ ફલો) સિસ્ટમ સાથેના સેન્ટ્રલ એસીનો સમાવેશ, કચેરીમાં બેઝમેન્ટપાર્કિંગ તેમજ ગ્રાઉન્ડ ફલોર સહિત પાંચ માળનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી ત્રણ વર્ષમાં આધુનિક સુવિધાઓ સાથેની કચેરી તૈયાર થશે. સોલાર સિસ્ટમ, કેન્ટીન, કોન્ફરન્સ રૂમ અને બે લેબોરેટરી પણ હશે. બિલ્ડિંગમાં સર્કલ કચેરીની સાથે વલસાડ શહેર વિભાગીય કચેરી અને વલસાડ ગ્રામ્ય વિભાગીય કચેરી કાર્યરત કરાશે.
આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતી બ્રિજનાબેન પટેલ, જિલ્લા સંગઠન મંત્રી શિલ્પેશ દેસાઈ, સંગઠન મંત્રી કમલેશ પટેલ, ડીજીવીસીએલના અધિકારી – કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ધરાસણામાં ઊર્જા મંત્રીના હસ્તે રૂ.1.82 કરોડના ખર્ચે બનનારી વિભાગીય પેટા કચેરીનું ખાતમુહૂર્ત
વલસાડ તાલુકાના ધરાસણા ગામમાં રૂા.1.82 કરોડના ખર્ચે નવી નિર્માણ થનારી વીજ કંપનીની પેટા વિભાગીય કચેરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ વિભાગીય કચેરી અત્યાર સુધી ભાડાના મકાનમાં કાર્યરત હતી જે હવે નવી અને અત્યાધુનિક અદ્યતન કચેરીમાં કાર્યરત થશે. આ નવીન કચેરી બનવાથી ધરાસણા અને તેની આસપાસના 20 ગામના વીજ ગ્રાહકોને ફાયદો થશે.