નવનિયુક્ત પ્રમુખ ઈશ્વરભાઈ પટેલે સૌના સાથ, સૌના પ્રયાસથી મોટી દમણ હિન્દુ સ્મશાન ભૂમિના વહીવટને પારદર્શક બનાવવાની સાથે વિકસિત કરવા આપેલો કોલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.11 : રવિવારે મોટી દમણ હિન્દુ સ્મશાન ભૂમિ ટ્રસ્ટની મળેલી સામાન્ય સભામાં સર્વાનુમતે આગામી ત્રણ વર્ષ માટે પ્રમુખ તરીકે શ્રી ઈશ્વરભાઈ વસંતભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી અને મહામંત્રી પદે શ્રી જેસલભાઈ ઈશ્વરલાલ પરમાર તથા ટ્રસ્ટી પદે શ્રી પ્રમોદભાઈ મોહનલાલ રાણાની નિયુક્તિ ઉપર મહોર મારવામાં આવી હતી.
છેલ્લા 35 વર્ષથી મોટી દમણ હિન્દુ સ્મશાન ભૂમિ ટ્રસ્ટના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી રહેલા શ્રી અશોકભાઈ રાણાએ આ પદ સંભાળવા બતાવેલી પોતાની અસમર્થતા બાદ સભ્યોએ તેમના સ્થાને દમણવાડા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ અને દમણ જિલ્લા કોળી પટેલ સમાજના ટ્રસ્ટી શ્રી ઈશ્વરભાઈ પટેલને પ્રમુખ પદની જવાબદારી સુપ્રત કરવામાં આવી હતી.
નવનિયુક્ત અધ્યક્ષ શ્રી ઈશ્વરભાઈ પટેલે જણાવ્યું હતું કે, મોટી દમણ હિન્દુ સ્મશાન ભૂમિ ટ્રસ્ટની શાખને જાળવી તેમાં જે પણ વહીવટીત્રુટીઓ હોય તેનું નિરાકરણ લાવી પારદર્શકતા સાથે સ્મશાન ભૂમિનું સંચાલન ‘સૌના સાથ અને સૌના પ્રયાસ’થી વિકાસ કરવા ઉપર જોર આપ્યું હતું.
આ પ્રસંગે દમણના સુપ્રસિદ્ધ આર્કિટેક્ટ શ્રી ગજાનંદભાઈ પટેલ, શ્રી સુભાષભાઈ પટેલ, ભાઠૈયાના આગેવાન અને પ્રસિદ્ધ એકાઉન્ટન્ટ શ્રી ફકીરભાઈ પટેલ, શ્રી નરોત્તમભાઈ પટેલ, પટલારા જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય શ્રી સતિષભાઈ ભંડારી, સંઘપ્રદેશ પ્રશાસનના પૂર્વ સબ રજીસ્ટ્રાર શ્રી ધીરજભાઈ ટંડેલ, આગેવાન સમાજ સેવક શ્રી જગદીશભાઈ પટેલ, દમણ-દીવ વિદ્યુત વિભાગના પૂર્વ સહાયક એન્જિનિયર શ્રી અનિલભાઈ દમણિયા, શ્રી અશોકભાઈ મહેર, દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવી સહિત સર્વ સમાજના આગેવાન પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.