વાપી ખાતે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાશે, લાભાર્થીઓને સહાય વિતરણ કરાશે
522 જિલ્લાના 1 લાખથી વધુ એસસી, ઓબીસી અને સફાઈ કામદારો માટે PM SU-RAJ રાષ્ટ્રીય પોર્ટલ વર્ચ્યુઅલ રીતે લોન્ચ કરાશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.12: કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આજે તા. ૧૩માર્ચને બુધવારે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સમગ્ર દેશમાં ”સામાજિક ઉત્થાન તથા રોજગારલક્ષી લોક કલ્યાણ વેબ પોર્ટલ લોન્ચિંગ” (પી.એમ. સૂરજ/PM SU-RAJ), પ્રધાનમંત્રી દક્ષ યોજના, પ્રધાનમંત્રી નમસ્તે યોજના તેમજ અન્ય કલ્યાણકારી યોજનાઓનું ઈ-લોન્ચિંગ કરવામાં આવશે.
આ કાર્યક્રમનો ઉદ્દેશ સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગને મુખ્ય ધારામાં લાવવાનો અને તેમને વિવિધ સરકારી યોજનાઓ થકી લાભાન્વિત કરવાનો છે. રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં વિવિધ જિલ્લા કલેકટરશ્રીઓ, મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ, વિવિધ આયોગ, નિગમ, જાહેર હિતની સંસ્થાના પદાધિકારીગણ અને અધિકારીગણ જોડાશે. રાષ્ટ્રીય કક્ષાના આ કાર્યક્રમમાં ૫૨૨ જેટલા જિલ્લાઓ ૧ લાખથી વધુ એસસી, ઓબીસી અને સફાઈ કામદારો માટે PM SU-RAJ રાષ્ટ્રીય પોર્ટલ વર્ચ્યુઅલ રીતે લોન્ચ કરાશે.
વલસાડ જિલ્લામાં વાપી તાલુકાના બલીઠા ખાતે હરિયા હોસ્પિટલ રોડ પર સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ હોલમાં તા. ૧૩ માર્ચે બપોરે ૩ કલાકે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં વિકસિત ભારત, વિકસિત ગુજરાત હેઠળ પીએમ (SU-RAJ) રાષ્ટ્રીય પોર્ટલ લોન્ચિંગ કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, સંસદ સભ્યશ્રી ડો.કે.સી.પટેલ અને ધારાસભ્યો સર્વશ્રી ભરતભાઈ પટેલ, રમણલાલ પાટકર, જીતુભાઈ ચૌધરી અને અરવિંદભાઈ પટેલ ઉપસ્થિત રહેશે.
બલીઠા ખાતે બપોરે ૩ કલાકે શરૂ થતા આ કાર્યક્રમમાં લાભાર્થીઓ દ્વારા સાફલ્ય ગાથા રજૂ કરવામાં આવશે. ઓડિયો વિજ્યુઅલ ફિલ્મ પ્રદર્શન કરાશે. લાભાર્થીઓને લાભ વિતરણ કરાશે. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી વર્ચ્યુઅલી સંબોધન કરશે. સાંજે ૪ કલાકે વડાપ્રધાનશ્રી વર્ચ્યુઅલ ઉપસ્થિત થશે. વંચિત સમુદાયો માટેની પહેલ પર લઘુ ફિલ્મનું નિદર્શન કરાશે. પ્રધાનમંત્રીશ્રી દ્વારા વંચિત વર્ગોને ધિરાણ માટે રાષ્ટ્રીય પોર્ટલ SU-RAJનું લોન્ચિંગ કરાશે. વંચિત વર્ગો જેવા કે એસસી, ઓબીસી, સફાઈ કર્મચારીઓ માટે ક્રેડિટ સપોર્ટ અંતર્ગત એક લાખ લોનની મંજૂરી, સિવર તથા સેપ્ટિક ટાંકીના કામગારોને આયુષ્યમાન હેલ્થ કાર્ડનું વિતરણ અને કામદારોને પીપીઈ કિટ્સનું વિતરણ (રીમોટથી) કરાશે. વડાપ્રધાનશ્રી અનુસૂચિત જાતિ તેમજ અન્ય પછાત વર્ગોના લાભાર્થીઓ સાથે વેન્ચર કેપિટલ ફંડ સ્કીમ તેમજ આંબેડકર સોશિયલ ઈનોવેશન ઈન્ક્યુબેશન મિશન હેઠળ સફળતાપૂર્વક સ્ટાર્ટઅપ શરૂ કરનાર સાથે સંવાદ કરશે. આ સિવાય ક્રેડિટ સપોર્ટ સ્કીમ હેઠળના વિવિધ નિગમોના સફળ લાભાર્થીઓ સાથે સંવાદ કરશે. નમસ્તે સ્કીમ હેઠળના સિવર અને સેપ્ટિક ટેંકના લાભાર્થી કામદારો સાથે પણ સંવાદ કરશે. ત્યારબાદ વડાપ્રધાનશ્રી દેશવાસીઓને વર્ચ્યુઅલી સંબોધન કરશે.