(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27: દાદરા નગર હવેલીના લુહારી ફાટક અથાલ ગામે આવેલ કંપનીમાં વોચમેન તરીકે ફરજ બજાવતા યુવાનનું એના રૂમની અંદર જ મોત થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે રમેશ રાય (ઉ.વ.38) જેઓ યુનોવેલ કંપનીમાં વોચમેન તરીકે ફરજ બજાવતા હતા અને કંપનીની કોલોનીમાં જ રહેતા હતા. તેઓ મૂળ રહેવાસી બિહારના હતા. જેઓ સાંજે નોકરી પરથી છૂટી રાત્રી દરમ્યાન દારૂ પીને જમીને સુઈ ગયા હતા. પરંતુ સવારે એની સાથે નોકરી કરતા બીજા મિત્ર રૂમ પર આવ્યા ત્યારે જોયું તો રમેશ રાય રૂમની અંદર જ મૃત અવસ્થામાં હતા. મિત્રએ રમેશ રાયને મૃત અવસ્થામાં પડેલા જોઈ કંપની સંચાલકોને તાત્કાલિક જાણ કરી હતી. કંપની સંચાલકોએ પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ ઘટના સ્થળે ધસી આવી હતી અને લાશનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ(પી.એમ.) માટે સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં લઈજવામાં આવી હતી. આ ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ નરોલી પોલીસ કરી રહી છે.