ઉપપ્રમુખ તરીકે ભગવાન ભરવાડ અને દીપક ગુપ્તા તેમજ સેક્રેટરી તરીકે તાહિર વોરા, જોઈન્ટ સેક્રેટરી તરીકે અમૃત પટેલ અને ટ્રેઝરર તરીકે આશિષ શાહની કરવામાં આવેલી નિયુક્તિ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.01: ઉમરગામ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનની ચૂંટણી બાદ આજરોજ પ્રમુખ અને ઓફિસ બેરરની નિયુક્તિ માટે યુઆઇએનો સભાખંડમાં એક્ઝિકયુટિવ કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ચૂંટણી સ્ક્રુટિની કમિટી અને અગ્રણી ઉદ્યોગપતિ શ્રી ઈશ્વરભાઇ બારી, શ્રી અજય શાહ, શ્રી બજરંગ ભરવાડ સભાના સંચાલક તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આજની સભામાં 15 સભ્યોની ચૂંટાયેલી એક્ઝિકયુટિવ કમિટીમાંથી 14 સભ્યોની હાજરી જોવા મળી હતી.
સભાના પ્રારંભમાં ઉપસ્થિત એક્ઝિક્યુટિવ કમિટીમાંથી પ્રમુખ તરીકેની દરખાસ્ત માંગવામાં આવી હતી. જેમાં અનુભવી અને અગ્રણી ઉદ્યોગપતિ તેમજ સીટીઝન અમ્બરેલાના માલિક શ્રી નરેશભાઈ બંથિયાની એકમાત્ર દરખાસ્ત રજૂ થવા પામી હતી. આમ પ્રમુખ તરીકે શ્રી નરેશભાઈ બંથિયાની સર્વાનુમતે વરણીકરવામાં આવી હતી. પ્રમુખની વરણી બાદ ઉપપ્રમુખ તરીકે શ્રી દિપકભાઈ ગુપ્તા અને શ્રી ભગવાનભાઈ ભરવાડ, સેક્રેટરી તરીકે શ્રી તાહીરભાઈ વોરા અને જોઈન્ટ સેક્રેટરી તરીકે શ્રી અમૃતભાઈ પટેલ તેમજ ટ્રેઝરર તરીકે શ્રી આશિષભાઈ શાહની આવેલી દરખાસ્ત સામે તમામ ડાયરેક્ટરોએ મંજૂરીની મહોર મારી હતી. પ્રમુખ અને ઓફિસ બેરરની રચના બાદ આજની સભાના અધ્યક્ષતા હેઠળ ઉપસ્થિત રહેલા અગ્રણી ઉદ્યોગપતિ શ્રી ઈશ્વરભાઈ બારી અને એમની ટીમે યુવા ઈન્ડસ્ટ્રીયલ ટીમને અભિનંદન પાઠવી આગામી બોર્ડ મિટિંગમાં સમિતિઓની રચના કરવાનું આશ્વાસન આપ્યું હતું.