તડકેશ્વર મહાદેવના દર્શન બાદ કાર્યકરોની ભવ્ય રેલી નિકળી હતી
જે સભામાં ફેરવાઈ હતી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.15: લોકસભાની ચૂંટણીનો માહોલ વલસાડ જિલ્લામાં ચરમસીમા ઉપર છવાઈ ચૂક્યો છે. વલસાડ ડાંગ-લોકસભાની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ધવલ પટેલ ચૂંટણી લડી રહ્યા છે. આજે સોમવારે ધવલ પટેલએ પોતાનું ઉમેદવારી ફોર્મ કલેક્ટર કચેરીમાં ભર્યું હતું. ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા ધવલ પટેલે તડકેશ્વર મહાદેવ દર્શન કર્યા હતા. ત્યારબાદ સેંકડો કાર્યકરોની રેલી શક્તિ પ્રદર્શન સાથે સભા યોજાઈહતી.
વલસાડ લોકસભાની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર તરીકે ધવલ પટેલ ચૂંટણી લડી રહ્યા છે. આજે સોમવારે ચૂંટણી ઉમેદવારી પત્ર તેમણે કલેક્ટર કચેરીમાં શુભ મુહૂર્તમાં ભર્યું હતું. વલસાડમાં વહેલી સવારથી તમામ વિધાનસભાની બેઠક વિસ્તારોમાંથી સેંકડો ભાજપના કાર્યકરો-હોદ્દેદારો ઉમટી પડયા હતા. નાણા મંત્રી કનુભાઈ દેસાઈ, ધારાસભ્યશ્રીઓ ભરતભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, રમણલાલ પાટકર તથા ચૂંટણી પ્રભારી, જિલ્લા પ્રમુખ હેમંત કંસારા અને ભાજપના હોદ્દેદારોની આગેવાનીમાં ધુમધામથી રેલી યોજાઈ હતી. બેન્ડવાજાના સુર-તાલ વચ્ચે ભાજપના કાર્યકરો ઝુમતા હતા. રેલી અંતે સભામાં ફેરવાઈ હતી. સભામાં કનુભાઈ દેસાઈ સહિતના નેતાઓએ સંબોધન કરી અબ કી બાર મોદી સરકારની હાંકલ કરી હતી. ઉમેદવાર ધવલ પટેલએ સભામાં 5 લાખ ઉપરાંત મતોનો જીતનો દાવો કર્યો હતો. સભા બાદ આગેવાનો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા જ્યાં ધવલ પટેલએ શુભ મુહૂર્તમાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.