(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26 : દાદરા નગર હવેલીના અંતરિયાળ વિસ્તારમાં આવેલ ખેરારબારી ગામમાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળે છે અને હાલમાં ઉનાળાની સિઝનમાં ગામમાં એક માત્ર કૂવાનું પાણી પણ સુકાઈ જવાને કારણે ગવનપાડામાં પીવાના પાણી માટે સૌથી મોટી સમસ્યા છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર હાલમાં પીવાના પાણી માટે જે કૂવાઓ છે એનાતળિયા પણ સુકાઈ ગયા છે અને અગાઉ બોરમાં પણ પાણી નથી આવતું. જેથી ગામની નજીકથી પસાર થતી ખનકીના કિનારાના ભાગે ખાડો ખોદી પાણી શોધવાનો પ્રયાસ કરીએ છીએ. સાંજે ખાડો ખોદીએ તો સવાર સુધીમાં થોડા અંશે પાણી ભેગુ થઈ જાય છે જેનો ઉપયોગ ગામના લોકો કરે છે. પ્રશાસન દ્વારા અમારા ગામમાં પાણીના ટેન્કર પણ મોકલવામાં આવતા નથી. આ સમસ્યા અંગે ગામના સરપંચશ્રીને પણ વારંવાર રજૂઆતો કરવા છતાં તેઓ ધ્યાન આપતા નથી અને ગામમાં જે ઓપરેટર છે એમને પણ જ્યારે પાણી માટે કહીએ છીએ તો તે ગામના લોકોને જ ધમકાવે છે.
હાલમાં ગામમાં સરપંચશ્રીને ફોન કરીએ ત્યારે માંડ એક ટેન્કર પાણી આવે છે જેથી અમારે પીવા માટે અને ઘર વપરાશ માટે આવી રીતે ખાડા ખોદી પાણી શોધવાનો પ્રયાસ કરીએ છીએ. અમારી આ સમસ્યા અંગે જિલ્લા પંચાયતના અધિકારીઓ અને પ્રશાસનના અધિકારીઓને પણ વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરીએ છીએ પણ અમારી સમસ્યા તરફ ધ્યાન આપવામાં આવતુ નથી. હાલમાં જે જમીનમાંથી પાણી મળે છે તે પણ ડહોળુ હોય છે પરંતુ અમારી પરિસ્થિતિ એવી છે કે અમે જઈએ તો કયા જઈએ પ્રશાસન દ્વારા અમારી સમસ્યા અંગે યોગ્ય ઉકેલ લાવવામાં આવે એવી અમારી માંગ છે.