વલસાડ દિવેટમાં રહેતા એન્જિનિયર દિનેશ પટેલ કાર લઈ ગાંધીનગર જતા હતા ત્યારે અકસ્માત નડયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.16: વલસાડ નંદવાલા હાઈવે ઉપર સતત બીજા દિવસે પણ અકસ્માતની ઘટના ઘટી હતી. આર.એન.બી.ના અધિકારી વલસાડથી ગાંધીનગર જઈ રહ્યા હતા ત્યારે નંદવાલા હાઈવે ઉપર કાર આગળ જતી ટ્રક સાથે ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.
વલસાડ દિવેટ ગામે રહેતા અને સુરત કામરેજમાં આર.એન.બી.માં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા દિનેશ પટેલ મંગળવારે સવારે ઘરેથી તેમની હોન્ડા સીટી કાર નં.જીજે 21 સીડી 4051 લઈને ગાંધીનગર જવા નિકળ્યા હતા. કાર વલસાડ નંદવાલા હાઈવે ઉપરથી પસાર થતી હતી ત્યારે આગળ જતી ટ્રક સાથે કાર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. તે સમયે અમદાવાદ એલ.સી.બી.નો પોલીસ સ્ટાફ આરોપીને લઈ અમદાવાદ જતો હતો. અકસ્માત જોતા રોકાઈ ગયો હતો. 108 એમ્બ્યુલન્સ ફોન કરી કારમાં ફસાઈ ગયેલા ઘાયલ દિનેશ પટેલને બહારકાઢયા હતા. સારવાર માટે ખસેડાયા હતા. 108ના સ્ટાફને કારમાંથી રોકડા રૂપિયા-સોનાની ચેન અને લેપટોપ મળી આવ્યા હતા. 108ના પાયલોટ બીપીન પટેલ અને ઈએનટી માનસી પટેલએ પંચો, રૂબરૂ રૂરલ પોલીસમાં જમા કરાવીને માનવતા સહિત બેમીસાલ ઈમાનદારી પુરી પાડી હતી.