(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.26 : લોકસભાની ચૂંટણી જાહેર થતાંની સાથે જ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા ગુજરાત સહિત દેશભરમાં આદર્શ આચાર સંહિતા લાગૂ થતાં સંઘપ્રદેશ ચૂંટણી વિભાગ દ્વારા તત્પરતા સાથે નજર રાખવા વિવિધ સ્થળોએ ફલાઈંગ સ્કવોર્ડ સહિતની સર્વેલન્સ ટીમોની તૈનાતી કરવામાં આવી છે. આગામી તા.7મી મે, 2024ના રોજ ગુજરાત સાથે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પણ મતદાન થવાનું છે. ચૂંટણીની તમામ તૈયારીઓની જોરશોરથી કામગીરી આટોપી દેવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણેલોકસભા ચૂંટણી-2024ના સંદર્ભમાં સતર્કતાના ભાગરૂપે કોઈપણ પ્રકારની ગેરકાનૂની પ્રવૃત્તિઓ જેમાં રોકડ અને દારૂ-બિયરની તસ્કરી તથા ચૂંટણીના સમયે તેના વિતરણ ઉપર રોક લગાવવા માટે દમણ જિલ્લા પ્રશાસન દ્વારા તા.5મી એપ્રિલ, 2024ના શુક્રવારથી સ્ટેટિક મોનિટરીંગ ટીમો(એસ.એસ.ટી.) પણ જુદા જુદા ચેકપોસ્ટ અને અન્ય સ્થળોએ તૈનાત કરવામાં આવી છે. ચૂંટણી તંત્ર દ્વારા નિષ્પક્ષ, પારદર્શક, મુક્ત, ન્યાયી અને તટસ્થ ચૂંટણી યોજાય તેમજ નિヘતિ કરાયેલા નીતિ-નિયમોનું ઉલ્લંઘન નહીં થાય તે માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એક અઠવાડિયામાં ફલાઈંગ સ્કવોર્ડ, સર્વેલન્સ ટીમ દ્વારા વિવિધ સ્થળોએ સઘન ચેકિંગ દરમિયાન 39,420 રૂપિયાની કિંમતનો 179.62 લીટર દારૂ જપ્ત કરવામાં સફળતા મેળવી હતો. એજ પ્રમાણે વિવિધ સ્થળોએથી તપાસ દરમિયાન 2.18 લાખની રોકડ પણ જપ્ત કરવામાં આવી છે.
16મી માર્ચના ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી અત્યાર સુધી વિવિધ જગ્યાએથી તપાસ દરમિયાન લગભગ 34.57 લાખની રોકડ અને લગભગ 16.48લાખનો દારૂ જપ્ત કરાયો છે. દમણ જિલ્લા પ્રશાસને આ બાબતે સખત પગલાં ભરતાં આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદો નોંધી જરૂરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આદર્શ આચાર સંહિતા દરમિયાન સમગ્ર જિલ્લામાં 50 હજારરૂપિયાથી વધુ રકમ અને 10 હજાર રૂપિયાથી વધુનો નવો સામાન લઈ જવાની પરવાનગી આપવામાં આવેલ નથી. તેથી લોકોને અનુરોધ કરવામાં આવે છે કે, તેઓ ચૂંટણી સમય દરમિયાન આદર્શ આચારસંહિતાના નક્કી કરાયેલા નીતિ-નિયમોનું પાલન કરે અને તેમની પ્રવૃત્તિઓને ગેરકાનૂની રીતે ન કરે.