કોન્સ્ટેબલ મનીષ મહારીયાની બદલી થતા વલસાડ
સીટી પો.સ્ટે.માં ફરજ બજાવતા હતા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.20: વાપી જીઆઈડીસી સી-ટાઈપ વિસ્તારમાં આવેલ પોલીસ ક્વાટર્સમાં રહેતા કોન્સ્ટેબલએ આજે સોમવારે ઘરમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પોલીસ બેડામાં દોડધામ સાથે ચકચાર મચી જવા પામી હતી.
વાપી સી-ટાઈપ પોલીસ ક્વાટર્સમાં રહેતા મૂળ સુરેન્દ્રનગરના વતની મનીષભાઈ સોપાભાઈ મહારીયા વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. તેમની બદલી વલસાડ થતા અપડાઉન કરતા હતા. પરિવારે સાથે રહેતા મનીષભાઈની પત્ની 15 દિવસથી ગામ ગઈ હોવાથી તેઓ ક્વાટર નં.15માં એકલા જ હતા. આજે રવિવારે કોઈ અગમ્ય કારણોસર મનીષભાઈએ પંખાના હૂક સાથે નાયલોન દોરી બાંધી આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ જીઆઈડીસી પોલીસને થતા ઉચ્ચ અધિકારીઓ સહિતપોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. મૃતકની લાશને નીચે ઉતારી પી.એમ. માટે મોકલી અપાઈ હતી તેમજ પોલીસે સુરેન્દ્રનગર પરિવારજનોને જાણ કરી હતી. પરિવાર સુરેન્દ્રનગરથી વાપી આવવા નિકળી ગયેલ છે. નાની ઉંમરે કોન્સ્ટેબલ મનીષભાઈએ આત્મહત્યાનું અંતિમ કદમ કેમ ભર્યું હશે તેની અનેક તર્કવિતર્ક ઘટના બાદ પોલીસ બેડામાં વહેતા થયા હતા.