જોરદાર ધમાકાના અવાજથી હેબતાઈ ગયેલા એપાર્ટમેન્ટના રહીશોમાં મચેલી ભાગદોડઃ તમામ લોકો તાત્કાલિક બિલ્ડીંગની નીચે સહીસલામત ઉતરી ગયા
(વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક)
સેલવાસ, તા.20: સેલવાસ ઝંડાચોક વિસ્તારમાં આવેલ પંડયા ટાવરની પાછળના આયશા એપાર્ટમેન્ટમાં મળસ્કે ચાર વાગ્યાના સુમારે જોરદાર ધમાકા સાથે વીજમીટરમાં ભડકો થઈ આગ ફાટી નીકળી હતી. જોરદાર થયેલા ધમાકાના અવાજથી ચોંકી ઉઠેલા એપાર્ટમેન્ટમાં રહેતા લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી અને તમામ લોકો તાત્કાલિક બિલ્ડીંગની નીચે સહીસલામત ઉતરી ગયા હતા.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સેલવાસના ઝંડાચોક ખાતેના પંડયા ટાવરની પાછળ આવેલા આયશા એપાર્ટમેન્ટના વીજમીટરમાં મળસ્કે ચાર વાગ્યાના અરસામાં એકાએકા ધડાકો થયો હતો અને ત્યારબાદ આગ ફાટી નીકળી હતી. આ જોરદાર ધડાકા અને આગ પકડી લેતાં બિલ્ડીંગમાં રહેતા લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો અને તેઓ ફટાફટ બિલ્ડીંગની નીચે ઉતરી ગયા હતા. ત્યારબાદ બિલ્ડીંગના મુખ્ય માણસોએ દાનહ પાવર હાઉસ કચેરી ખાતે પહોંચી ત્યાં ઉપસ્થિત કર્મચારીઓને ઘટના અંગે જણાવ્યું હતું કે, અમારી બિલ્ડીંગમાં લાગેલા વીજમીટરમાં જોરદાર ધડાકો થયા બાદ આગ લાગી છે, તેથી તાત્કાલિક અસરથી પાવર સપ્લાય બંધ કરો જેથી કોઈ વધુ નુકસાન નહીં થાય. પરંતુ પાવર હાઉસ કચેરીએ ઉપસ્થિત કર્મચારીઓએ ઉડાવ જવાબ આપ્યો હતો અને જણાવ્યું હતું કે, અમને જ્યાં સુધી ઉપરથી ઓર્ડર આપવામાં નહીં આવે ત્યાં સુધીઅમે કંઈજ ન કરી શકીએ. વીજ કર્મચારીઓના બેજવાદાર જવાબથી બિલ્ડીંગ એપાર્ટમેન્ટના રહીશોએ આગ ઉપર કાબુ મેળવવા ધૂળ અને રેતી નાંખી પ્રયાસ કર્યો હતો અને ફાયર વિભાગને ટેલીફોનિક જાણ કરતા ફાયર ફાઈટરોની ટીમ ઘટના સ્થળે પહોંચી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો.
આ ઘટનામાં એપાર્ટમેન્ટના 11મીટરો બળીને ખાખ થઈ ગયા હતા. ત્યારબાદ વીજ કર્મચારીઓ દ્વારા ઘટના સ્થળે પહોંચી સાંજે સાત વાગ્યા સુધી વીજમીટરનું રીપેરીંગ કામ કર્યું હતું. એક બાજુ ભારે ગરમીનો પ્રકોપ હોવાથી વીજળી વિના પંખા, એ.સી. કે કુલર બંધ રહેતા આખો દિવસ એપાર્ટમેન્ટના રહીશોને ગરમીના બફારામાં રહેવાની નોબત આવી હતી. આ ઘટનામાં કોઈને કોઈપણ પ્રકારની ઇજા કે જાનહાનીની ઘટના બનવા પામેલ નથી.