જતીન દેસાઈ પરિવારે પોથીયાત્રાનો લ્હાવો લીધો: નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના પત્ની ભારતીબેન, સ્વામી હરી પ્રસાદ દાસજી, સ્વામી નીજાનંદના હસ્તે દીપ પ્રાગટય કરી કથાનો પારંભ કરાયો : 46 વર્ષથી સતત કથા કરનારા શરદભાઈ વ્યાસની બાલદા ખાતે 798 મી કથા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.11: પારડી તાલુકાના બાલદા ગામમાં આજરોજ બાલદા અનાવિલ મંડળ આયોજિત શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પૂજ્ય વિશ્વ વિખ્યાત વક્તા શરદભાઈ વ્યાસ ધરમપુરવાળા તારીખ 17મી એપ્રીલ સુધી કથાનું રસપાન કરાવશે. કથાના પહેલા દિવસે બાલદા અને આજુબાજુ વિસ્તારના ભાઈ-બહેનોએ મોટી સંખ્યામાં પધારી કથાનો લ્હાવો લીધો હતો.
બપોરે ત્રણ કલાકે જળદેવી માતા મંદિરથી વાજતે ગાજતે પોથીયાત્રા નીકળી હતી. બાલદા ગામના અગ્રણી જતીનભાઈ દેસાઈ એમના પત્ની મીનાબેન દેસાઈસાથે એમના પરિવારજનો અને બાલદા ગામના નાગરિક પોથીયાત્રામાં જોડાયા હતા. પૂજ્ય શરદભાઈ વ્યાસ પણ શ્રીમદ ભાગવત કથા પોથીનું પૂજન કરી યાત્રામાં જોડાયા હતા. ત્યારબાદ મંડપમાં સ્વામી હરિપ્રસાદ દાસજી, સ્વામી નિજાનંદ સાથે નાણામંત્રી કનુભાઈ દેસાઈના પત્ની ભારતીબેન દેસાઈ, સાંસદ ડોક્ટર કે. સી. પટેલ, પારડીના ડોક્ટર એમ. એમ. કુરેશી ડોક્ટર પ્રતાપભાઈ ઠોસર, ડોક્ટર લતેશભાઈ, એડવોકેટ દિનેશભાઈ, બાબુભાઈ ગોદાણી વગેરે અગ્રણીઓએ દીપ પ્રાગટય કરી શ્રીમદ ભાગવત કથાની શરૂઆત કરવામાં આવી હતી. પહેલા દિવસના કથા વિરામ બાદ વલસાડ ભાજપ મહામંત્રી કમલેશભાઈ પટેલ તથા અન્યો શ્રોતાઓના હસ્તે આરતી કર્યા બાદ મોટી સંખ્યામાં મહાપ્રસાદનો લાભ લીધો હતો.
સતત 46 વર્ષથી ભાગવત કથા આપનારા વિશ્વ વિખ્યાત શરદભાઈ વ્યાસએ પોતાની બાલદા ખાતેની 798મી કથા દરમ્યાન જણાવ્યું હતું કે, શ્રોતા સુજ્ઞ છે. શ્રોતા કથા સાંભળતા નથી પરંતુ પીવે છે એટલે જ આજની કથા જ્ઞાન સભર કથા ભાગવતના મૂળ અર્થો પર ચાલી અજ્ઞાનના અંધકારમાંથી દૂર થવાના જે ઉપાયો ભાગવતમાં આપ્યા છે તેના પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. અજ્ઞાનથી માણસના જીવનમાં ભય ઉત્પન્ન થાય છે અને ભય મનુષ્યના જીવનમાં ઘણાં દુષણો લાવે છે. અજ્ઞાનતાના અંધકારમાંથી મનુષ્ય દૂરથાય અને ભય મુક્ત બને અને સંસારમાં વિહાર કરી શકે એ વિષયોને લઈ આજની કથાનો પ્રારંભ થયો છે. ભગવાન કોટેશ્વરના સ્થાને બુદ્ધિજીવી એવા અનાવિલ બ્રાહ્મણ સમાજ સમાજ દ્વારા આયોજિત ચૈત્ર જેવા પાવન મહિનામાં જે કોઈ ભાગવત કથા સાંભળશે તે ધન્ય બનશે.
કથાના આયોજક જતીનભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, આજ સુધી બાલદા ગામમાં ભાગવત કથા ન થઈ હોય ગામ અને લોકોને ભાગવત કથાનો લાભ મળે એવા હેતુસર કથાનું આયોજન કરવામાં આવ્યું છે.