(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23 : સેલવાસના રહેવાસી પ્રજ્વલ ગોડસેએ 26 વર્ષની ઉંમરે અમેરિકાના ન્યુયોર્ક સિટીમાં ધ ન્યુ સ્કૂલમાં ‘મિડિયા સ્ટડીઝ’ વિષયમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. તેના દાદા અને પિતા બન્ને ફોટોગ્રાફર છે જેઓના પગલે ચાલીને પ્રજ્વલે પણ તેની સર્જનાત્મક યાત્રા શરૂ કરી હતી અને લેન્ડસ્કેપ ફોટોગ્રાફીમાં રુચિ તેના પિતા પ્રકાશભાઈ ગોડસે સાથે સિલ્વાન જંગલમાં ફોટો પ્રોજેક્ટમા જોવા મળી હતી.
વર્ષ 2023માં દાદરા નગર હવેલીના આદિવાસી લોકોની જીવનશૈલી, સભ્યતા અને સંસ્કૃતિ પર બનાવેલ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ મૌલી માટે 55 ટકા સ્કોલરશીપ અને ન્યુયોર્ક સીટી ખાતે ફાઈન કટ્સ ફિલ્મ ફેસ્ટીવલમાં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ(જ્યુરી)પણ જીત્યો હતો.તેને તેના પ્રોજેક્ટ ‘ધ સંસ્કૃતી ગેલેરી‘ માટે ‘ઈન્ડોચીન સ્ટાર સ્ટુડન્ટ્સ રિસર્ચ ગ્રાન્ટ’ પણ મળી છે. એટલું જ નહીં હાલમાં તેણે ન્યૂયોર્ક સિટીની ધ ન્યૂ સ્કૂલ તરફથી મીડિયા સ્ટડીઝ સ્ટુડન્ટ્સ સર્વિસ એવોર્ડ પણ જીત્યો છે. આમ પ્રજ્વલે પોતાના બે વર્ષના માસ્ટર ડિગ્રી અભ્યાસ સાથે પોતાની અદમ્ય પ્રતિભા થકી પોતાના પરિવાર અને દાનહનું ગૌરવ વિશ્વ ફલક પર વધાર્યું છે.
