(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26 : દાદરા નગર હવેલીના બાલદેવી ગામે પ્રધાનમંત્રી આવાસ નજીક ડુંગર પરથી ગેરકાયદેસર માટી ખનન પ્રવૃત્તિ અટકાવવા સ્થાનિક લોકોએ જોરદાર વિરોધ કર્યો હતો. ત્યારબાદ સેલવાસ નગરપાલિકાના કાઉન્સિલરો અને સ્થાનિકોએ જિલ્લા કલેક્ટરશ્રીને લેખિત રજૂઆત કરી. માટીમાફિયાઓ દ્વારા ડુંગર ઉપર આવેલી સ્મશાન ભૂમિ પાસે ખોદકામ કરી રાત્રિના 10 વાગ્યા બાદ જ માટી ખનન પ્રવૃત્તિ કરવામાં આવતી હતી. ન.પા. કાઉન્સિલરોઅને ગામલોકોની રજૂઆતને ધ્યાને રાખી મામલતદાર શ્રી સાગર ઠક્કરે ન.પા. સભ્યો અને ગ્રામજનોને જણાવેલ કે આ જમીન ખાનગી માલિકીની છે. જ્યાંથી માટીના ખોદકામ માટે અરજી આપી માટી ખનનીની પરવાનગી માંગવામાં આવી છે અને ડમ્પરોના નંબરો આપવામાં આવેલ એ પણ જેમણે પરવાનગી માટે અરજી કરી હતી તેઓના જ છે. હવે સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે જો પ્રશાસન દ્વારા આ જગ્યા પરથી માટી ખનનની પરવાનગી આપવામાં આવી હતી તો મામલતદાર અને એમની ટીમે મોડી રાત્રી દરમ્યાન અચાનક કેમ માટી ખનનની જગ્યા પર રેડ પાડી બે ડમ્પર અને એક જેસીબી મશીન જપ્ત કરવામાં આવ્યા?
મામલતદારશ્રીએ જપ્ત કરાયેલા ડમ્પરો અને જેસીબી સાયલી પોલીસ સ્ટેશન પર લઈ જઈ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી હોવાની માહિતી મળી છે.
