દીવે ડૂબાડી ભાજપની નાવઃ દમણમાં ભાજપે આપેલી નેક ટુ નેક ફાઈટ
કોંગ્રેસના ઉમેદવાર કેતનભાઈ પટેલનો રહેલો ખુબ જ નબળો દેખાવ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.04 : લોકસભાની દમણઅને દીવ બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર શ્રી ઉમેશભાઈ પટેલનો ભવ્ય વિજય થયો હતો. તેમણે ભાજપના શ્રી લાલુભાઈ પટેલ અને કોંગ્રેસના શ્રી કેતનભાઈ પટેલને પરાજયનો સ્વાદ ચખાવ્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે લોકસભાની દમણ અને દીવ બેઠકમાં અપક્ષ ઉમેદવાર શ્રી ઉમેશભાઈ પટેલને દીવ જિલ્લામાં મળેલા ઐતિહાસિક મતોની સરસાઈ ભાજપના ઉમેદવાર શ્રી લાલુભાઈ પટેલ તોડી નહીં શક્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર શ્રી કેતનભાઈ પટેલનો દેખાવ અપેક્ષા કરતા ખુબ જ નબળો રહ્યો હતો.
દમણ અને દીવ બેઠકમાં અપક્ષ શ્રી ઉમેશભાઈ પટેલને કુલ 42,523 મત મળ્યા હતા તેની સામે ભાજપના શ્રી લાલુભાઈ પટેલને 36,298 મત મળતાં તેમનો 6,225 મતે પરાજય થયો હતો. જ્યારે કોંગ્રેસના શ્રી કેતનભાઈ પટેલને માત્ર 11,258 મત મળ્યા હતા.
દીવમાં અપક્ષ શ્રી ઉમેશભાઈ પટેલને 15,043 મત મળ્યા હતા જેની સામે ભાજપના શ્રી લાલુભાઈ પટેલને 7,855 મત મળતાં 7,188 મતની લીડ મળી હતી. જ્યારે કોંગ્રેસના શ્રી કેતનભાઈ પટેલને માત્ર 2176 મતથી સંતોષ માનવો પડયો હતો.