(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.12 : રમત-ગમત મંત્રાલય અને યુવા બાબતોના દિશા-નિર્દેશ હેઠળ સંઘપ્રદેશના રમત-ગમત અને યુવા બાબતોના નિયામક શ્રી અરૂણ ગુપ્તા અને દાનહ સ્પોર્ટ્સ કાઉન્સિલ દ્વારા દાનહ ભારત સ્કાઉટ ગાઈડ ફેલોશીપ મહિલા નાઈટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં મહિલાઓની 10 ટીમોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટ સેલવાસ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. જેમાં કુલ 100 જેટલી મહિલા ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ અવસરે મુખ્ય અતિથિ પદે કોરિયા સ્કાઉટ એસોસિએશનના સભ્ય અને કાર્યકારી પ્રમુખ શ્રીમતી એમ.એમ.એ.કે મેક્કી, ભારત સ્કાઉટ ગાઈડ ફેલોશિપ રાષ્ટ્રીય મુખ્યાલય નવી દિલ્હીના સામાન્ય સચિવ શ્રીમતી સીમા રાઠી ઉપસ્થિત રહ્યા હતા. ટુર્નામેન્ટનો પ્રારંભ સેલવાસ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રજની શેટ્ટીએ કરાવ્યો હતો.
ટુર્નામેન્ટની ફાઈનલ મેચ સેલવાસ એફ.સી. અને વાપી એફ.સી. વચ્ચે યોજાઈ હતી, જેમાં વાપી એફ.સી.એ સેલવાસ એફ.સી.ને 5-0થી હાર આપી હતી અને સતત ત્રીજી વખત એસ.જી.એફ. મહિલા ફૂટબોલ નાઈટ કોમ્પિટિશન સિઝન-3 પર કબ્જો કર્યો હતો. આ અવસરે ક્રિષ્ના કેન્સર એઇડ એસોસિએશન પ્રમુખ શ્રીમતી મીના તંવર,શ્રીમતી એમ.એ.કે. મેક્કી અને શ્રીમતી સીમા રાઠીએ સંયુક્તપણે વિજેતા અને ઉપવિજેતા ટીમોને ટ્રોફી અને મેડલ આપીને સન્માનિત કરી અભિનંદન પાઠવ્યા હતા.
રમત-ગમત ક્ષેત્રે છોકરીઓ પોતાની પ્રતિભા બતાવીને પુરુષો કરતાં પાછળ ન રહી જાય તે ઉદ્દેશ્યથી છોકરીઓને આગળ વધવાની તક ઉપલબ્ધ કરાવવા આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અવસરે એચ.આર. મેનેજર શ્રી વિવેક રાય અને સલોની રાય, શર્મિષ્ઠા દેસાઈ, સ્વરૂપા શાહ, રાહુલ શાહ, અનવર બસાયા, યાસ્મીન બસાયા અને દાનહ સ્કાઉટ ગાઈડ ફેલોશિપના તમામ સભ્યો સાથે મેચ રેફરી તરીકે અલ્થામસ શેખ અને કિશોર ગોલીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.