સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ પરિયારીની શહિદ ભગતસિંહ ઉચ્ચ પ્રાથમિક શાળામાં બાળકોનો હોંશલો વધારશે અને વાલીઓને માર્ગદર્શન આપશે
વિવિધ શાળાઓમાં સંઘપ્રદેશ પ્રશાસનના આઈ.એ.એસ., આઈ.પી.એસ., દાનિક્સ સહિતના ઉચ્ચ અધિકારીઓ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી શાળાના વર્ગખંડમાં પ્રથમ પગથિયું પાડતા બાળકોનું ઉત્સાહવર્ધન કરાવશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.14 : આવતી કાલ તા.15મી જૂનના રોજ દમણ જિલ્લાની તમામ સરકારી-અર્ધ સરકારી શાળાઓમાં પ્રિ-પ્રાઈમરી અને પહેલાં ધોરણમાં પ્રવેશ કરતા બાળકોને વધાવવા માટે પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેની કડીમાં પરિયારીની શહિદ ભગતસિંહ ઉચ્ચ પ્રાથમિક શાળામાં સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી બાળકોનો હોંશલો વધારશે અને વાલીઓને માર્ગદર્શન આપશે.
દમણ જિલ્લાની વિવિધ શાળાઓમાં આવતી કાલે સંઘપ્રદેશ પ્રશાસનના આઈ.એ.એસ., આઈ.પી.એસ., દાનિક્સ તથા સંઘપ્રદેશ પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી શાળાનું પ્રથમ પગથિયું ચડતા બાળકોનું ઉત્સાહવર્ધન કરાવશે.
અત્રે યાદરહે કે, સંઘપ્રદેશ દમણ-દીવ અને દાદરા નગર હવેલીમાં 2017ના વર્ષથી પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની પહેલથી શરૂ કરવામાં આવેલ પ્રવેશોત્સવની ખુબ જ હકારાત્મક અસરો થવા પામી છે. શાળાનું પ્રથમ પગથિયું ચડતા બાળકોને તેઓ ખાસ વિશેષ હોવાની લાગણી જન્મે છે અને શાળામાં બદલાયેલી વ્યવસ્થા શક્તિનો પણ તેમને પરિચય મળે છે. સંઘપ્રદેશ પ્રશાસનની આ પહેલથી સરકારી શાળાઓમાં પ્રિ-પ્રાઈમરી અને પહેલા ધોરણમાં એડમિશનની સંખ્યામાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે.