(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.17 : કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના પાવટી ખાતે ગત મધ્યરાત્રિના લગભગ અઢી વાગ્યાની આસપાસ પાવટીમાં લાંગરવામાં આવેલી બે બોટમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી જેમાં બે બોટ બળીને ખાખ થઈ ગઈ હતી. બોટ બળી જવાના કારણે બોટમાલિકોને લાખોનું નુકસાન પહોંચ્યું હતું. જેને લઈને આજે દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી ભાનુ પ્રભાના દિશા-નિર્દેશમાં ડેપ્યુટી કલેક્ટર શ્રી શિવમ મિશ્રાએ બપોરે બોટ માલિકો સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન ડેપ્યુટી કલેક્ટર શ્રી શિવમ મિશ્રાએ બોટ માલિકોને ડિઝલના બેરલ તથા ગેસના બાટલા વગેરે જે આગજની સાધન સામગ્રી હોય તેને બોટમાં અથવા દંગામાં નહીં રાખવા, રાત્રિના સમયે કોઈ અજાણ્યા શખ્સ જોવા મળે તો તરત પોલીસને જાણ કરવી, દરેકે ફાયર સેફટી માટેના સાધનો બોટમાં રાખવા, બને ત્યાં સુધી ડિઝલને સુરક્ષિત જગ્યાએ રાખવું અથવા સ્ટોર નહીં કરવા જણાવ્યું હતું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ફાયરની બે ગાડીઓ વણાંકબારા ખાતે કોસ્ટલ પોલીસસ્ટેશન પાસે રહેશે. આ સાથે તેમણે અનેક સૂચનો બોટ માલિકોને કર્યા હતા.
બેઠકમાં ફિશરીઝ ઓફિસર શ્રી સુકર આંજણીએ અલગ અલગ બોટ વીમા વિશે જાણકારી આપી હતી. જેમાં બે મહિનાનો વીમો, ચાર મહિનાનો વીમો વગેરે માછીમારી બંધ હોય તે દરમિયાન લેવામાં આવે તો બોટમાં થતા નુકસાન અથવા આ રીતે થતાં બનાવની ભરપાઈ કરી શકાય. માછીમારોએ પણ તેમના પ્રશ્નોની રજૂઆત કરતા તેઓએ વાવાઝોડા દરમિયાન જે નુકસાન દીવના માછીમારોને ભોગવવું પડયું હતું તેનું વળતર હજુ મળ્યું નથી. દીવના માછીમારો આ દરેક સ્કીમથી વંચિત હોય તેથી જિલ્લા પ્રશાસને દીવના દરેક માછીમારોને વિવિધ સ્કીમોનો લાભ મળે તે માટે અપીલ કરી હતી.
દીવના દગાચી જેટી પર લાંગરવામાં આવેલ બે બોટમાં મધ્યરાત્રિએ અચાનક ભભૂકી ઉઠેલી આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.