પોતાના પતિની લાંબી ઉંમર, પુત્ર પ્રાપ્તિ તથા પોતાના સંસારમાં સુખ સગવડોને લઈ વ્રત કરવાનો મહિમા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.21: જેઠ સુદ ચૌદસનો દિવસ એટલે વટ સાવિત્રીનું વ્રતનો દિવસ… પોતાના પતિના દીર્ઘાયુ માટે સૌભાગ્યવતી બહેનો આ વટ સાવિત્રીનું વ્રત કરે છે.
આમ તો ઘણા વર્ષોથી રાજા રજવાડા કાળથી આ વ્રતની પૂજા થતી આવી છે પરંતુ રાજા સત્યવાન અને એમની પત્ની સાવિત્રીને લઈ સૌથી વધારે આ વ્રતનું મહત્વ વધ્યું છે કારણ કે રાણી સાવિત્રીએ યમરાજા પાસેથી પોતાના મરણ પામેલ પતિ સત્યવાનને જ નહીંપરંતુ પોતાને ત્યાં પુત્રો તથા સુખ સગવડ પણ માંગ્યા હતા તે દિવસથી આ વ્રત ભારત વર્ષમાં ઉજવાતું આવ્યું છે.
આજના દિવસે સૌભાગ્યવતી બહેનો વડના ઝાડ નીચે જઈ અબીલ ગુલાલ કંકુ ચોખા વડે વડની પૂજા કરી વડને જળ ચઢાવી સુતરના દોરાથી 108 વખત વડની પ્રદક્ષિણા કરી પોતાના પતિના દીર્ઘાયું માટે પ્રાર્થના કરે છે.
પારડીના વેજનાથ મહાદેવ મંદિર તથા તળાવની પાળ ખાતે આવેલા એકલિંગી મહાદેવ મંદિર તથા નગરમાં અન્ય ઘણી જગ્યાએ વડની પૂજા કરી સૌભાગ્યવતી બહેનોએ આજના આ વટ સાવિત્રી વ્રતની ઉજવણી કરી હતી.