લોકસભાની દમણ અને દીવ બેઠકમાં 35 વર્ષ બાદ પહેલી વખત અપક્ષ તરીકે વિજેતા બનવાનું ઉમેશભાઈ પટેલને મળેલું સૌભાગ્ય
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.24 : આજે દમણ અને દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે લોકસભામાં સાંસદ પદના શપથ ગ્રહણ કરી પોતાની ઈનિંગનો વિધિવત્ આરંભ કર્યો હતો. શ્રી ઉમેશભાઈ પટેલે સાંસદ બનાવવા બદલ દમણ અને દીવની જનતાનો આભાર પ્રગટ કર્યો હતો અને હંમેશા તેમનો ઋણી હોવાની ભાવના પ્રગટ કરી હતી.
અત્રે નોંધનીય છે કે, લોકસભાની દમણ અને દીવ બેઠકમાં 1989ની ચૂંટણી બાદ પહેલી વખત અપક્ષ તરીકે લડી સાંસદ બનવાનું સૌભાગ્ય શ્રી ઉમેશભાઈ પટેલને પ્રાપ્ત થયું છે. 35 વર્ષ પહેલાં 1989ની ચૂંટણીમાં શ્રી દેવજીભાઈ ટંડેલ દમણ અને દીવ બેઠક ઉપરથી અપક્ષ તરીકે લોકસભાની ચૂંટણીમાં વિજેતા થયા હતા. ત્યારબાદ 1998ની ચૂંટણીમાં શ્રી ડાહ્યાભાઈ પટેલે દમણ અને દીવ વિકાસ પાર્ટીના નેજા હેઠળ અપક્ષ તરીકે ચૂંટણીમાં ઝુકાવ્યું હતું પરંતુ તેમનો પણ પરાજય થયો હતો. 1991ની ચૂંટણીમાં શ્રી અસલમ ખાને પણ અપક્ષ તરીકે પોતાનું નશીબ અજમાવ્યું હતું પરંતુ તેમાં તેમને સફળતા મળી નહીં હતી.
2024ની ચૂંટણીમાં શ્રી ઉમેશભાઈ પટેલ ઉપર દમણ અને દીવના લોકોએ વિશ્વાસ મુકી કરેલું મતદાનકેટલું સાર્થક થાય તે આવતા દિવસોમાં સ્પષ્ટ થઈ જશે.