આંગણવાડી, બાલવાટિકા, પ્રથમ, નવમા અને 11માં ધોરણના કુલ 207 બાળકોને શાળા પ્રવેશ અપાયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.26: સમગ્ર ગુજરાત રાજ્યમાં 26મી જૂનથી શરૂ થયેલા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ -2024 અંતર્ગત વલસાડ જિલ્લામાં કપરાડા તાલુકામાં અંભેટી કાંપરીયા પ્રાથમિક શાળા, અંભેટી ખરેડા ફળિયા પ્રાથમિક શાળા અને નવચેતન સાર્વજનિક હાઈસ્કુલમાં નેશનલ હેલ્થ મિશન, ગાંધીનગરના મિશન ડાયરેક્ટરશ્રી રેમ્યા મોહન (આઈએએસ)ની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. નવી શિક્ષણનિતી મુજબ 5 થી 6 વર્ષના બાળકોને બાલવાટિકામાં પ્રવેશ આપાશે. જે પૈકી કપરાડા તાલુકાની અંભેટી કાંપરીયા પ્રાથમિક શાળા અને અંભેટી ખરેડા ફળિયા પ્રાથમિક શાળામાં આંગણવાડી/બાલવાટિકામાં 26, પહેલા ધોરણમાં 22 બાળકો તેમજ આ વર્ષથી પ્રથમવાર શરૂ કરવામાં આવેલા ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓના પ્રવેશ અંતર્ગત ધોરણ 9ના 85 અને ધોરણ 11ના 74 વિદ્યાર્થીઓ મળી કુલ 207 વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ ઊજવાયો હતો.
શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે કપરાડા તાલુકાની અંભેટી ખરેડા ફળિયા પ્રાથમિક શાળામાંઆંગણવાડીમાં પ્રવેશપાત્ર એકમાત્ર બાળકીનો કુમકુમ પગલા પાડી પ્રવેશ કારાવાયો હતો. જ્યારે ધોરણ-1 માં 1 કુમાર અને 03 કન્યા મળી કુલ 05 બાળકો, અંભેટી કાંપરીયા ફળિયા પ્રાથમિક શાળામાં આંગણવાડીમાં 3 કુમાર, બાલવાટિકામાં 10 કુમાર અને 12 કન્યા, ધોરણ-1 માં 7 કુમાર અને 11 કન્યા મળી કુલ 43, નવચેતન સાર્વજનિક હાઈસ્કુલમાં ધોરણ 9માં 46 કુમાર અને 39 કન્યા તેમજ ધોરણ 11માં 39 કુમાર અને 35 કન્યા મળી 159 વિદ્યાર્થીઓને સહિત ત્રણેય શાળાના કુલ 207 વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જોઈન્ટ મિશન ડાયરેક્ટર રેમ્યા મોહને કહ્યું હતું કે, વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ આપવા આપણે મેળા જેવી ઉજવણી કરીએ છીએ. નાના ભુલકાઓને જેથી આનંદ થાય છે તેઓ રડતા નહીં પરંતુ હસતા હસતા શાળામાં પ્રવેશ મેળવે છે. પ્રધાનમંત્રી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે કન્યાઓમાં શિક્ષણનું પ્રમાણ વધે તેવા ઉદ્દેશ્ય સાથે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરી હતી. પરંતુ આજે તે આગળ વધીને દરેક વિદ્યાર્થીઓ માટે એક આનંદદાયી પ્રસંગ બની રહ્યો છે. બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષકો, વાલીઓ તેમજ સમાજે સાથે મળીને કાર્ય કરવું ખુબ જ જરૂરી છે. દરેક વ્યક્તિએ બાળકોના સારા ભવિષ્ય માટેજવાબદારી લેવાની જરૂર છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, હવેથી ધોરણ 9 અને 11 માટે પણ આ કાર્યક્રમની શરૂઆત થઈ છે. આ ઉંમરના વિદ્યાર્થીઓના શિક્ષણની સાથે સાથે શારિરીક સ્વાસ્થ્યની તેમજ માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપવાની જવાબદારી દરેક વાલીઓ લેવી પડશે. આ વિષય દરેક વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ખુબ જ મહત્વનો છે. વાલીઓએ નિંસંકોચ ખુલ્લા મનથી બાળકોના પ્રશ્નોનુ વાર્તાલાપ દ્વારા નિરાકરણ લાવવું. બાળકોએ પણ વિના સંકોચ પોતાની સમસ્યા જણાવવી. શિક્ષકોએ પણ શિક્ષણની સાથે બાળકોના આરોગ્ય પ્રત્યે પણ જાગૃત રહેવું. પ્રવેશ મેળવતા દરેક બાળકોને તેમજ તેમના વાલીઓને ખુબ ખુબ અભિનંદન અને શાળાના શિક્ષકો અને વાલીઓને પણ અભિનંદન પાઠવું છું.
સિકલસેલ એનીમિયા અંગે જણાવતા મિશન ડાયરેક્ટરએ જણાવ્યું હતું કે, આ ખુબ ગંભીર બીમારી છે પરંતુ સાચા પગલાઓથી તેને ફેલાવતો અટકાવી શકાય છે. સિકલ સેલ મટાડવા માટે કોઈ દવા નથી પરંતુ તેને જરૂરી પગલાઓ લઈ ફેલાવતો અટકાવી શકાય છે. જે અંતર્ગત સરકાર અનેક કાર્યો કરી રહી છે, જેમકે વિનામુલ્યે તપાસ, નિઃશુલ્ક જરૂરી સારવાર, જરૂરિયાતના સમયે વિનામુલ્યે લોહીની સગવડ, દર મહિને રૂ.2500/-ની આર્થિક સહાય તેમજ સિકલ સેલના દર્દીઓ અને વાહકોનેકાઉન્સેલિંગ પણ આપવામાં આવે છે.
કાર્યક્રમોમાં શાળાના તેજસ્વી તારલાઓ, એકમ કસોટી, વાર્ષિક કસોટી, જ્ઞાન સાધના તેમજ ખેલ મહાકુંભમાં ઉતકળષ્ટ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓ તેમજ શાળાઓના વિકાસ અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે દાન આપનારા દાતાઓનું પુસ્તકથી સન્માન કરવામાં આવ્યું હતું. સરકારશ્રી તરફથી આપવામાં આવતા લેપટોપનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. મિશન ડાયરેક્ટરે દરેક શાળાની શાળા વ્યવસ્થાપન સમિતિ સાથે બેઠક કરી સમિતિ સભ્યોના મંતવ્યો જાણ્યા હતા અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે જરૂરી સૂચનાઓ આપી હતી.
કાર્યક્રમોમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.વિપુલ ગામિત, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પ્રિતી પટેલ, સીડીપીઓ, સરપંચ યોગેશ પટેલ, તાલાટી કમ મંત્રી જતિન પટેલ, સીઆરસી કૌશિક દેસાઈ, અંભેટી ખરેડા ફળિયા પ્રાથમિક શાળાના આચાર્યા ભાવનાબેન પટેલ, અંભેટી કાંપરીયા પ્રાથમિક શાળાના આચાર્યા કેતુલકુમારી ડોંગરે, નવચેતન સાર્વજનિક હાઈસ્કુલના આચાર્ય વિનોદભાઈ પટેલ, શાળાના શિક્ષકો, શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો, ગ્રામ પંચાયતના સભ્યો, આઈસીડીએસના કર્મચારીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.