તંત્ર ફરક્યું જ નહીં, સ્થાનિકોએ બે કલાકનો પુરુષાર્થ કરી વૃક્ષ હટાવ્યું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.02: વાપી શામળાજી હાઈવે નં.56 ઉપર નાનાપોંઢા બાલચોંડી ગામ નજીક તોતિંગ વૃક્ષ ધરાશાયી થતા ત્રણ કલાક હાઈવેની અવર જવર રહેતા લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.
વાપી શામળાજી હાઈવે નં.56 વ્યસ્ત હાઈવે છે. વ્યારા ભરૂચ તરફથી શામળાજી તરફ જતા હાઈવે ઉપર વાહનોની અવર જવર 24 કલાક રહેતી હોય છે. આજે મંગળવારે સવારે નાનાપોંઢા નજીક બાલચોંડી ગામ પાસે નિલગીરીનું તોતિંગ વૃક્ષ વરસાદના કારણે ધરાશાયી થયું હતું. ઝાડ ઉપર તોતિંગ વૃક્ષ આડુ પડી જતા બન્ને તરફથી વાહનોની અવર જવર થંભી જવા પામી હતી. પરિણામે ટ્રાફિક જામ થઈ ગયો હતો. કલાકો સમય વિતતો રહ્યો પરંતુ વહિવટી તંત્રનું કોઈ ફરક્યું નહોતું તેથી ગ્રામજનો એકઠા થઈ સમસ્યાને હલ કરવાનો પ્રયત્ન શરૂ કર્યો હતો. ઈલેક્ટ્રીક કટર અને જેસીબી લાવીને બે કલાક બાદ વૃક્ષને કાપીને દૂર કર્યું હતું. ત્યારબાદ ટ્રાફિક રાબેતા મુજબ ચાલુ થયો હતો. ત્રણેય કલાક બન્ને તરફના ટ્રાફિકને લઈ હજારોવાહન ચાલકો પરેશાન થઈ ગયા હતા.