(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.02 : સંઘપ્રદેશ પ્રશાસનના આરોગ્ય વિભાગ દ્વારા સંચાલિત દમણ કચીગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને આરોગ્ય સુવિધાના ક્ષેત્રે શ્રેષ્ઠ નોંધપાત્ર દેખાવ કરવા બદલ ભારત સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ભારત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય આરોગ્ય મિશન(એનએચએમ) અંતર્ગત જાહેર આરોગ્ય સુવિધાઓમાં ગુણવત્તાપૂર્ણ સુધારણાં અને સેવાઓ સુનિヘતિ કરી તેને યોગ્ય રૂપ આપી ઉત્કૃષ્ટ બનાવવાના ઉદ્દેશથી રાષ્ટ્રીય ગુણવત્તા આશ્વાસન માનક (એનક્યુએએસ)ની શરૂઆત કરવામાં આવી છે. જેમાં 8 વિવિધ ક્ષેત્રના માપદંડ જેવા કે સેવા પ્રાવધાન, રોગી અધિકાર, અગ્નિશમન વગેરે સંબંધિત સેવાઓ, ડાયગ્નોસ્ટિક લેબોરેટરી સેવા, સંક્રમણ નિયંત્રણ, ગુણવત્તા પ્રબંધન અને ક્વોલિટી મેનેજમેન્ટના આધારે એનક્યુએએસ પ્રમાણપત્રનું મૂલ્યાંકન રાષ્ટ્રીય આરોગ્ય સેવા રિસોર્સ સેન્ટરના રાષ્ટ્રીય મૂલ્યાંકનકર્તાઓ દ્વારા પ્રમાણિત કરવામાં આવેલ છે. જેમાં દમણના કચીગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આરોગ્ય સુવિધા 95.86 ટકા એનક્યુએએસ પ્રમાણિત ઉત્તમમૂલ્યાંકન પ્રાપ્ત સુવિધાજનક હોસ્પિટલ તરીકે પુરસ્કૃત કરવામાં આવી છે.
ગત 28મી જૂનના શુક્રવારે ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા દિલ્હીમાં આયોજીત કાર્યક્રમમાં કેન્દ્રના આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રતાપરાવ ગણપતરાવ જાધવ અને શ્રીમતી અનુપ્રિયા પટેલ દ્વારા કચીગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરોને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને આરોગ્ય સેવાને શ્રેષ્ઠ બનાવવા માટે શરૂ કરેલા વિવિધ અભિયાનના પગલે દાદરા નગર હવેલી અને દમણ-દીવની આરોગ્ય સેવા ફક્ત પ્રદેશમાં જ નહીં પરંતુ આજુબાજુના વિસ્તારોના લોકો માટે પણ આશીર્વાદરૂપ બની રહી છે.