વહેલી સવારે આવતા દૂધવાળાએ ઘટનાની કરી જાણ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.07: પારડી તાલુકાના ઉમરસાડી માછીવાડ, હરિઓમ સ્ટ્રીટ ખાતે રહેતા કાંતિલાલ ખેતારામ માલી હરિઓમ સ્ટ્રીટ ખાતે જ જય બાણેશ્વરી નામની કરિયાણાની દુકાન ભાડેથી ચલાવે છે.
વહેલી સવારથી લઈને રાત્રે મોડે સુધી ચાલતી આ કરિયાણાની દુકાનમાં તારીખ 6.7.2024 ના રોજ વહેલી સવારે દૂધ આપવા આવતા શશીકાંતભાઈ ટંડેલે દુકાનમાંથી ધુમાડો નીકળતો જોતા તેઓએ આ ઘટના અંગેની જાણ કાંતિભાઈને કરતા તેઓ તાત્કાલિક દુકાને આવીને દુકાનનું શટર ખોલતા મોટા પ્રમાણમાં ધુમાડો બહાર નીકળતા તેઓ દુકાનની બહાર ઊભા રહી ગયા હતા. પરંતુ ભેગા થયેલ ગામ લોકોમાંથી કોઈકે દુકાનની અંદર જઈ ઈલેક્ટ્રીક વાયર કાપી નાખતા શોર્ટ સર્કિટને કારણે લાગેલ આગ કાબુમાં આવી હતી. પરંતુ આ શોર્ટ સર્કિટ કારણે લાગેલ આગને કારણે દુકાનમાં રાખેલ કરિયાણાનો એક સાઈડનો સંપૂર્ણ સામાન બળી જતા કાંતિભાઈને ખૂબ મોટું નુકશાન થવા પામ્યું છે. કાંતિભાઈએ આ અંગેની ફરિયાદ પારડી પોલીસ સ્ટેશનને નોંધાવતા પારડી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બ્લભદ્રસિંહદિલાવરસિંહે વધુ તપાસ હાથ ધરી છે.