પ્રદેશના અસામાજિક તત્ત્વો પ્રશાસક પ્રફુલભાઈ પટેલને કઠોર અને સંવેદનહીન ભલે ગણે પરંતુ 8 વર્ષમાં પ્રદેશને ભાઈગીરીથી મુક્ત કરવા કરેલું ભગિરથ કામ
પ્રફુલભાઈ પટેલે દાનહ અને દમણ-દીવનું ફક્ત નવઘડતર જ નથી કર્યું, પરંતુ રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે પ્રદેશની હાક અને ધાક વધારી એક નવી પ્રતિષ્ઠા પણ અપાવી છે
(ભાગ-05)
આવતી કાલે સંઘપ્રદેશના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલના 8 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને 29મી ઓગસ્ટથી તેઓ પોતાના અણનમ નવમા વર્ષના કાર્યનો આરંભ કરશે. સંઘપ્રદેશે છેલ્લા આઠ વર્ષ દરમિયાન અનેક સિદ્ધિઓના સોપાનો સર કર્યા છે અને ઘણાં પડકારોને પણ સામુહિક શક્તિથી પરાસ્ત કરાયા છે.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો 28મી ઓગસ્ટના દિવસે જન્મ દિવસ પણ છે. તેઓ 2016માં દમણ આવ્યા તે વખતે 28મી ઓગસ્ટના રોજ જ પોતાના કાર્યકાળનો આરંભ કરવાનું મન બનાવીને આવ્યા હતા. પરંતુ તેમને માહિતી મળી કે, 28મી ઓગસ્ટ, 2003ના ગોઝારા દિવસે 28 માસૂમ બાળક એક શિક્ષક અને એક રાહદારી મળી 30 વ્યક્તિના પુલ દુર્ઘટનામાં થયેલા કમોતના કારણે દમણ શોક મનાવે છે. તેથી તેમણેપોતાના કાર્યકાળનો આરંભ 29મી ઓગસ્ટ, 2016ના રોજથી કર્યો હતો.
પુલ દુર્ઘટનામાં મોત પામેલા 30 વ્યક્તિઓની યાદ હંમેશા ચિરંજીવી રહે એવા ઉમદા હેતુથી પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલે જૂના દુર્ઘટનાગ્રસ્ત પુલના મોટી દમણના છેડે આકર્ષક રળિયામણું સ્મૃતિ સ્મારક બનાવ્યું છે અને ત્યાં લોકો બે ઘડી બેસી પોરો પણ ખાઈ શકે એવી વ્યવસ્થા પણ કરેલી છે, જે પ્રશાસકશ્રીના સંવેદનશીલ ચહેરાની પ્રતિતિ કરાવે છે.
સંઘપ્રદેશના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલે દાદરા નગર હવેલી અને દમણ-દીવનું ફક્ત નવઘડતર જ નથી કર્યું, પરંતુ રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે પ્રદેશની હાક અને ધાક વધારી એક નવી પ્રતિષ્ઠા પણ અપાવી છે. શ્રી પ્રફુલભાઈ પટેલના 8 વર્ષના કાર્યકાળ દરમિયાન સમાજના મોભાદાર લોકોને પણ કાયદાનું પાલન કરતા શીખવ્યા છે. તેમણે ખુબ જ કરડાકીથી કાયદાનું પાલન કરાવવા રાખેલી નીતિના કારણે આજે શ્રી પ્રફુલભાઈ પટેલને અસામાજિક તત્ત્વો કઠોર અને સંવેદનહીન શાસક તરીકે ઓળખે છે. 8 વર્ષ પહેલાં મોટી દમણ અને સેલવાસના સચિવાલય ખાતે લેન્ડમાફિયાઓ, લીકર લોબી તથા દલાલોનો કબ્જો હતો. જમીન એન.એ.કરવાથી માંડી સેલ પરમિશન સુધીમાં મોટી ભરમાર ફેલાયેલી હતી. ‘જેની લાઠી તેની ભેંસ’ જેવો ઘાટ હતો. પરંતુ શાસક શ્રી પ્રફુલભાઈપટેલે પ્રદેશમાં શરૂ કરેલા શુદ્ધિકરણ અભિયાન બાદ એક પછી એક એમ લગભગ તમામ સાઈટ સ્વચ્છ બની રહી છે જેમાં ક્યાંક ક્યાંક હજુ ગંદકી ફરી દેખાવા માંડી છે, પરંતુ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના ધ્યાન બહાર આ પ્રકારનો ‘કચરો’ નહીં હશે અને તેઓ સમય આવ્યે યોગ્ય પગલાં ભરશે એવી અપેક્ષા પણ વ્યક્ત થઈ રહી છે.
આવતી કાલે પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલના 8 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને તેઓ નવમા વર્ષમાં પ્રવેશી રહ્યા છે. છેલ્લા 8 વર્ષ દરમિયાન સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં સામાજિક, આર્થિક, શૈક્ષણિક, ઔદ્યોગિક, પ્રવાસન, માળખાગત તથા સાંસ્કૃતિક ક્ષેત્રે થયેલો વિકાસ હવે લગભગ પૂર્ણતાના આરે પહોંચી ગયો છે. વિકાસ માટેનું હવે કોઈ ક્ષેત્ર બાકી દેખાતુ નથી. પરંતુ સંઘપ્રદેશના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલ હજુ બે થી પાંચ વર્ષ રહેવા જોઈએ એવી લાગણી પણ બહુમતિ લોકો પ્રગટ કરી રહ્યા છે. કારણ કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાંથી ‘કચરો’ હટાવવા આપેલો નિર્દેશ હજુ કેટલેક અંશે બાકી છે અને રહી ગયેલી ગંદકી ભવિષ્યમાં આગળ નહીં વધે તેની તકેદારી માટે પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલ થોડો સમય રહેવા જોઈએ એવી માંગણી સામાન્ય લોકોમાં થઈ રહી છે.
અત્રેયાદ રહે કે, શ્રી પ્રફુલભાઈ પટેલની નિયુક્તિ રાજ્યપાલ અને ઉપ રાજ્યપાલની તર્જ ઉપર થયેલ હોવાથી સરકારની ઈચ્છા સુધી દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક પદે તેઓ રહી શકે છે.