કસ્તુરબા હોસ્પિટલને 81 વર્ષની અવિરત સેવા બદલ અને રાજચંદ્ર હોસ્પિટલને આદિવાસી વિસ્તારમાં સેવા બદલ એવોર્ડ મળ્યો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.09: વલસાડ જિલ્લાની ટ્રસ્ટ સંચાલિત બે હોસ્પિટલને અમદાવાદ ખાતે યોજાયેલા હેલ્થકેર ઓનર્સ કોન્કલેવ (ણ્બ્ઘ્ંઁ 2024)માં તેમની વિશેષ સેવા બદલ સન્માનિત કરાયા હતા અને તેમને સ્પેશ્યલ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. જેમાં વલસાડની કસ્તુરબા હોસ્પિટલને તેમની 81 વર્ષ સુધીની રાહત દરે શહેરી વિસ્તારમાં આપેલી શ્રેષ્ઠ તબીબી સેવા બદલ આયુષ્યમાન ભારતના ડિરેક્ટર વિક્રમ પગારિયાના હસ્તે અને શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલને આદિવાસી વિસ્તારમાં વિનામૂલ્યે અપાતી તબીબી સેવા બદલ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા સન્માન કરાયું હતુ.
વલસાડની કસ્તુરબા હોસ્પિટલ વલસાડ શહેરમાં 81 વર્ષથી વલસાડ શહેરમાં રાહત દરે ઉચ્ચ કક્ષાની તબીબી સેવા આપતી જાણીતી સંસ્થા છે. કસ્તુરબાની સેવાનો લાભ વલસાડ શહેર જ નહી, જિલ્લાના દર્દીઓ અને પડોશી રાજ્ય મહારાષ્ટ્રના દર્દીઓ પણ મોટા પ્રમાણમાં લઈ રહ્યા છે. તેમની ઉચ્ચતમ સેવાનો લાભ લેવા પાલઘરથી પણ અનેક દર્દીઓ અહીં આવે છે. ત્યારેઅમદાવાદ ખાતે પ્રથમ વખત યોજાયેલા હેલ્થ કેર ઓનર્સ કોન્કલેવમાં તેમની સેવાની નોંધ લઈ તેમને ખાસ એવોર્ડથી સન્માનવામાં આવ્યા હતા.
આ પ્રસંગે કસ્તુરબા વૈદકિય રાહત મંડળના પ્રમુખ કિરણ ઠાકોરભાઇ દેસાઈએ જણાવ્યું કે, કસ્તુરબા હોસ્પિટલ તેમની રાહદ દરે સમાજમાં તબીબી સારવાર આપવા માટે કટિબદ્ધ છે. તેમજ સમય સાથે ટ્રસ્ટીઓના સાથ સહકારથી હોસ્પિટલને સતત ઉચ્ચતમ ક્લિનિકલ સાધનો સાથે સજ્જ કરવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે અને વલસાડ અને તેની આસપાસના લોકોને તેનો મહત્તમ લાભ થાય તેવો પ્રયાસ કરી રહ્યા છે.
-000-