પ્રવર્તમાન સમયમાં વાતાવરણમાં અવાર-નવાર થતાં ફેરફારો વચ્ચે હવામાન મથકને લાગેલા તાળા ખોલાવી કચેરી પુનઃ કાર્યરત કરવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ રસ દાખવે તે જરૂરી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી (વંકાલ), તા.02: ચીખલી કોલેજ રોડ ઉપર થાલા સ્થિત સિંચાઈ વિભાગની કચેરીનાં કેમ્પસમાં આવેલ હવામાન મથકની કચેરીમાં સ્ટાફ ઉપલબ્ધ ન હોવાથી કામચલાઉ કર્મચારી રાખી ગાડું ગબડાવાય રહ્યું હોવાનાું પ્રતિત થઈ રહ્યું હતું, આ વ્યવસ્થા લાંબી ન ચાલતા વર્ષ 2018થી કચેરીને તાળું જ લાગી હતું. છેલ્લા પાંચ વર્ષથી કચેરી બંધ રહેતા મકાન પણ ખંડેર થઈ જવા પામ્યું છે. આ ઉપરાંત કચેરીનાં ઉપકરણો પણ બિન ઉપયોગી બની ગયા છે.
ચીખલીનાં હવામાન મથકમાં ચોમાસામાં ગ્રાફીકલી અને આંકડાકીય એમ બે રીતે વરસાદ માપવામાં આવતોહતો. જેથી વરસાદનાં સચોટ આંકડા ઉપલબ્ધ થતા હતા. આ ઉપરાંત ગરમી અને પાણીનું બાષ્પીભવન, પવનની ગતિ અને દિશા સહિતની બાબતો જણાવાતી હતી. હવામાનમાં થતા અવાર-નવારનાં ફેરફારથી અવગત રહી શકાય અને સાવચેત પણ રહી શકાય તેવી સ્થિતિ એક સમયે હતી. પરંતુ હવે કચેરીને તાળા લાગી જતા હવામાનમાં થતા ફેરફારો જાણી શકાતા નથી. વર્તમાન સ્થિતિમાં હવામાનમાં થતા અવાર-નવારનાં ફેરફારથી આવગત રહી શકાય તે માટે આ કચેરી પુનઃ ધમધમતી કરવા સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ આગળ આવે તે જરૂરી છે.