(વર્તમાન પ્રવાહ વાપીબ્યુરો)
વાપી, તા.05: ચણોદ સ્થિત કેબીએસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજમાં આજના સ્પર્ધાત્મક યુગમાં સરકારી નોકરી મેળવવા, વિવિધ પરીક્ષા માટે ગુજરાતના વિદ્યાર્થીઓમાં પણ જાગૃતિ ફેલાય તે હેતુથી ‘‘સ્પર્ધાત્મક પરીક્ષાની જાગૃતતા” વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડો.રાહુલ દીવાન મુખ્ય વક્તા તરીકે હાજર રહ્યા હતા. ડો.દીવાને સરકારના જુદા જુદા વિભાગોમાં કર્મચારીઓના અલગ અલગ સ્તરે કઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજાય છે અને પરીક્ષાઓ કેવી રીતે તૈયારી કરવી જોઈએ તેમજ પરીક્ષા પાસ કર્યા પછી તે વિભાગના કાર્યક્ષેત્રની સાથે, પગાર ધોરણ જણાવીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે વર્ગ 4 થી લઈને વર્ગ 1 ની તાલુકા – જિલ્લા પંચાયત તથા સંચાલકીય ક્ષેત્રની તમામ પરીક્ષાઓ તથા બેન્કીંગ ક્ષેત્રની પરીક્ષાના કોચીંગ ક્લાસ અંગેની માહિતી આપી વિદ્યાર્થીઓને ઉજાગર કર્યા હતા. ઘણા વિદ્યાર્તીઓ સેમિનાર પછી વ્યક્તિગત રીતે ડો.દીવાનનો સંપર્ક કરીને પરીક્ષાની તૈયારી કરવા માટે તેમજ વધુ માહિતી અને માર્ગદર્શન માટે ઉત્સુકતા દર્શાવી હતી. તેમજ વધુમાં તેમણે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા શિષ્ટતા, મહેનત તથા વાંચન ખુબ જ જરૂરી છે તે જણાવ્યું હતું. આ સેમિનારમાં 300 થી વધારે વિદ્યાર્થીઓ તેમજ શ્રીમિનલ પટેલ, કોલેજ સ્ટાફગણે ભાગ લીધો હતો. આ સેમિનારનું આયોજન કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર મિસ. રિપલ ટંડેલ તેમજ ડો.દિપક સાંકી દ્વારા કરવામાં આવ્યું હતું. આમ સેમિનાર સફળ રહેતા કોલેજનાં આચાર્યા ડો.પૂનમ બી. ચૌહાણે મુખ્ય વક્તાનો આભાર વ્યક્ત કરી વિદ્યાર્થીઓને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લેવા આહવાન આપી જીવનમાં સફળતાની શુભેચ્છા પાઠવી હતી.
