નાણાંકીય વર્ષ 1લી એપ્રિલથી 31મી માર્ચના સ્થાને 1લી જાન્યુઆરીથી 31મી ડિસેમ્બર કરવા સાંસદ ઉમેશભાઈ પટેલે લોકસભામાં કરેલું મહત્ત્વનું સૂચન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવી દિલ્હી, તા.07 : દમણ અને દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે આજે લોકસભામાં ફાઈનાન્સ બિલ 2024-‘25ની ચર્ચામાં ભાગ લેતાં દમણ-દીવના ઉદ્યોગોને નવજીવન મળે તે માટે ઉદ્યોગોની 50 ટકા જી.એસ.ટી. માફ કરવા રજૂઆત કરી હતી. શ્રી ઉમેશભાઈ પટેલે નાણાંકીય વર્ષ 1લી એપ્રિલથી 31મી માર્ચની જગ્યાએ 1 જાન્યુઆરીથી 31મી ડિસેમ્બર રાખવા મહત્ત્વનું સૂચન કર્યું હતું.
સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે, દેશના રાજ્યો જી.એસ.ટી.ના રૂપમાં કેન્દ્રને માત્ર 50 ટકા આવક આપે છે. જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દીવ જી.એસ.ટી.ના સ્વરૂપમાં ભારત સરકારને 100 ટકા ભંડોળ આપે છે. તેથી પ્રદેશના ઉદ્યોગોને બચાવવા માટે 50 ટકા જી.એસ.ટી. માફ કરવા વિનંતી કરી હતી.
સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે કેન્દ્ર સરકારે આવક વેરાના દરોમાં કરેલા ફેરફારને આવકાર્યા હતા અને ઝીંગા અને ફિશ ફીડ ઉપર ઈ.સી.ડી. ઘટાડીને પાંચ ટકા દરખાસ્ત માટે અને તેમના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા વિવિધ ઈનપુટ્સ પર કસ્ટમ ડયુટીમાં મુક્તિ આપવા બદલ સરકારનો આભાર પ્રગટ કર્યો હતો.
સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે નાણાંકીય ખાધ ઘટાડવા માટે બજેટનો દુરૂપયોગ રોકવાનો આગ્રહ કરવા સાથે તેમણે જણાવ્યું હતું કે, તેમના દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશમાં ઘણાં પ્રોજેક્ટોને મૂળ ટેન્ડર કિંમત કરતા 40 થી 50 ટકા વધુ આપવામાં આવે છે અને છતાં તે સમયસર પુરા થતા નથી અને બે-ત્રણ વર્ષ માટે લંબાવી દેવાયા બાદ તેના વિકાસકામની કિંમતમાં બે થી ત્રણ ગણા થતા વધારાની તપાસ માટે પણ માંગણી કરી હતી.
સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે નાની દમણના કડૈયાને કોલક ગુજરાત સાથે જોડતો પુલ, મોટી દમણથી ફણસા-ગુજરાતને જોડતો જમ્પોર બ્રિજ માટે બજેટ આપવા રજૂઆત કરી છે. તેમણે દમણમાં અજ્યુકેશન બોર્ડ, યુનિવર્સિટીની સ્થાપના તથા નાની દમણના નમો પથને મોટી દમણના રામસેતૂ સાથે જોડવા કેબલ બ્રિજ માટે ગ્રાન્ટ આપવા પણ પોતાની રજૂઆત કરી હતી.
સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે ઈન્કમ ટેક્ષની જૂની અને નવી સ્કીમ અંગે કરદાતાઓને થતી મૂંઝવણમાંથી છૂટકારો મેળવવા નવી સ્કીમ જ રાખવા અને શેરબજારમાં જે જૂની ટેક્ષ સિસ્ટમ હતી તેને લાગૂ કરવા પણ પોતાની રજૂઆત કરી હતી.