(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.09 : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના કુશળ નેતૃત્વમાં ભારત સરકાર દ્વારા છેલ્લા બે વર્ષથી ચલાવવામાં આવી રહેલા ‘હર ઘર તિરંગા’ અભિયાનનું આ વર્ષે પણ 9મી ઓગસ્ટથી 15મી ઓગસ્ટ સુધી દેશભરમાં આયોજન થઈ રહ્યું છે. જેની કડીમાં આજે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પ્રદેશ પ્રશાસન દ્વારા ભવ્ય રૂપથી ‘હર ઘર તિરંગા’ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમનો પ્રારંભ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રજ્વલન સાથે થયો હતો.
કાર્યક્રમના પ્રારંભમાં દમણના જિલ્લા કલેક્ટર શ્રી સૌરભ મિશ્રાએ આજના કાર્યક્રમનો હેતુ અને રૂપરેખા સમજાવી હતી.
આ પ્રસંગે દમણનાસ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં આયોજીત સમારંભમાં સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ પુનઃ રાષ્ટ્રપ્રેમને જાગૃત કરવાનો ઉત્તમ અવસર છે. તેમણે યાદ અપાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના કુશળ નેતૃત્વમાં 2022ના વર્ષથી ‘હર ઘર તિરંગા’ અભિયાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, સ્વતંત્રતા દિવસ તથા પ્રજાસત્તાક દિવસ દેશના રાષ્ટ્રીય પર્વ છે અને તેનાથી કોઈ મોટું પર્વ હોઈ જ નહીં શકે. તેમણે દુઃખ સાથે જણાવ્યું હતું કે, આ રાષ્ટ્રીય પર્વો ફક્ત સરકારી કાર્યક્રમના રૂપમાં ઔપચારિક બની ગયા છે. પ્રશાસકશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, હજારો વર્ષની ગુલામી બાદ આપણાં દેશને આઝાદી રમતાં રમતાં મળી નથી, પરંતુ આપણાં અનેક લોકોની વીર શહાદત બાદ પ્રાપ્ત થઈ છે.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે સમગ્ર વિશ્વની પરિસ્થિતિને ચિતાર આપતા જણાવ્યું હતું કે, આજે સમગ્ર વિશ્વમાં સ્થિતિ સંતોષજનક નથી. અને આવા સમયે આપણાં દરેકનો જીવવું આ દેશ માટે અને મરવું પણ આ દેશ માટેનો ભાવ પેદા કરવા માટેની જવાબદારી બને છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તિરંગો ફક્ત કાગળ અથવા કપડાંનો ટૂકડો નથી, પરંતુ એ આપણાં માટે સ્વાભિમાનનું પ્રતિકછે. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દરેક ઘરો, દુકાનો, કાર્યાલયોમાં રાષ્ટ્ર ધ્વજ ફરકાવવા માટે આહ્વાન કર્યું છે. જેનાથી પ્રત્યેક નાગરિકોમાં એકતા અને રાષ્ટ્રપ્રેમની ભાવના ઉત્પન્ન થઈ શકે.
પ્રશાસકશ્રીએ દરેકને પોતપોતાના સ્તર ઉપર આ અભિયાનને સફળ બનાવવાનો આગ્રહ કર્યો હતો. તેમણે રાષ્ટ્રધ્વજની ગરિમા બનાવી રાખવા માટે પણ દરેકને નિવેદન કર્યું હતું. પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે વિદ્યાર્થીઓને પ્રેરિત કરતા જણાવ્યું હતું કે, આ દેશને આગળ વધારવાની જવાબદારી તમારી યુવાનોની છે.
પ્રારંભમાં કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક અને દેશભક્તિ કાર્યક્રમોની પ્રસ્તૂતિ કરવામાં આવી હતી. નિફટ કોલેજ દ્વારા ફેશન વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજ દ્વારા હેન્ડીક્રાફટની બાબતમાં બતાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે સ્કૂલના વિદ્યાર્થીઓ તથા ભૂતપૂર્વ સૈનિકોને રાષ્ટ્રધ્વજ પણ પ્રદાન કર્યા હતા.
સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમ કેમ્પસમાં પ્રશાસન દ્વારા મર્ચન્ડાઈઝ સ્ટોલ, સિલવન દીદી/એસએચજી સ્ટોલ, કિડ્ઝ ઝોન, તિરંગા કેનવાસ, સેલ્ફી બૂથ, રંગોળી જેવા આકર્ષણના કેન્દ્રો પણ ઉભા કરાયા હતા.
આ પ્રસંગે રાષ્ટ્રધ્વજની પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દમણનગરપાલિકાના અધ્યક્ષ શ્રી અસ્પી દમણિયા, દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી જાગૃતિબેન પટેલ, દાનહ જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી દામજીભાઈ કુરાડા, સેલવાસ ન.પા.ના પ્રમુખ શ્રીમતી રજની શેટ્ટી, પૂર્વ સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં જન પ્રતિનિધિઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, અધિકારીઓ તથા વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.