ગઈકાલે ઉદવાડા ગામ ખાતે દરિયા કિનારેથી 11.746 કિલો
ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.13: ડ્રગ્સ માફિયાઓ હવે ગુજરાતના અતિ શાંત ગણાતા અને આદિવાસી વિસ્તાર ધરાવતા વલસાડ જિલ્લાને ટાર્ગેટકરી જિલ્લામાં ડ્રગ્સનો જથ્થો ઘુસાડી આદિવાસી યુવાનોને ડ્રગ્સના રવાડે ચડાવી એમને બરબાદ કરવાનું ષડયંત્ર રચ્યું હોય એવું લાગી રહ્યું છે.
ગઈકાલે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડા ગામ ખાતે દરિયા કિનારે પ્રોટેક્શન વોલ પાસે પ્લાસ્ટિકના થેલામાં ભરેલ ચરસના 10 પેકેટ કુલ 11.746 કિલો ડ્રગ્સ કિંમત રૂપિયા 5.87 કરોડનું મળી આવ્યું હતું જેને લઈ પોલીસે વલસાડ જિલ્લાના 70 કિ.મી.ના દરિયાઈ પટ્ટામાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવતા આજરોજ વલસાડ તાલુકાના ડુંગરી દરિયા કિનારેથી ઉદવાડા ખાતે મળી આવેલ એવું જ 21 પેકેટ ચરસનો જથ્થો મળી આવતા ફરી એકવાર પોલીસ દોડતી થઈ ગઈ હતી.
ખૂબ ટૂંકા ગાળામાં વિપુલ પ્રમાણ ડ્રગ્સનો જથ્થો વલસાડ જેવા શાંત અને આદિવાસી વિસ્તારમાં દરિયા કિનારેથી મળી આવતા વલસાડ પોલીસ હવે રાત્રિ દરમિયાન પણ દરિયાકિનારે ચેકિંગ તથા પેટ્રોલિંગ કરે એ જરૂરી બની ગયું છે નહીં તો વલસાડ જેવા શાંત અને આદિવાસી ભોળા યુવાનોને આ ડ્રગ્સ માફિયાઓ ડ્રગ્સનો શિકાર બનાવી એમની જિંદગી બરબાદ કરે તો નવાઈ નહીં.