(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.29 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસનના યુવા બાબતો અને રમત-ગમત વિભાગ દ્વારા સંઘપ્રદેશના ત્રણેય જિલ્લામાં આજે હોકીના મહાન ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મ જયંતિના અવસરે ‘રાષ્ટ્રીય રમત-ગમત દિવસ’ના ઉપલક્ષમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશમાં અને યુવા કાર્યક્રમ અને રમત-ગમત વિભાગના સચિવ ડો. અરૂણ ટી.ના માર્ગદર્શનમાં અને યુવા બાબતો અને રમત-ગમત વિભાગના નિર્દેશક શ્રી અરૂણ ગુપ્તાના સહયોગથી વિભાગ દ્વારા દમણમાં ટગ ઓફ વોર(દોરડાખેંચ) અને પ્લેંક ચેલેન્જ, દીવમાં ટેબલ ટેનિસ અને દાદરા નગર હવેલીમાં ફુટસલ તથા બેડમિન્ટન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
‘રાષ્ટ્રીય રમત-ગમત દિવસ’ને ઉજવવા યુવા બાબતો અને રમત-ગમત વિભાગ દ્વારા દમણમાં આયોજીત મુખ્ય કાર્યક્રમમાં મલખમ્બ ખેલાડીઓએ ભારતના પારંપારિક રમત-ગમત મલખમ્બ કૌશલ્યનું શાનદાર પ્રદર્શન કરતા તમામ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ સાથે ટગ ઓફ વોર(દોરડાખેંચ) સ્પર્ધા અને પ્લેન્ક ચેલેન્જનું લાઈટ હાઉસ બીચ-મોટી દમણમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ શ્રેણીનાકુલ 450 જેટલા ખેલાડીઓ દોરડાખેંચ અને 100 ખેલાડીએ પ્લેંક ચેલેન્જમાં ઉત્સાહથી ભાગ લીધો હતો.
આજે દમણમાં આયોજીત મુખ્ય કાર્યક્રમમાં મુખ્ય અતિથિ પદે રમત-ગમત નિર્દેશક શ્રી અરુણ ગુપ્તા ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે તેમણે જણાવ્યું હતું કે, પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્વમાં સંઘપ્રદેશમાં રમત-ગમત અને યુવક કલ્યાણ હેતુ અનેક રમતોની સ્પર્ધાઓનું આયોજન સમય સમય ઉપર કરવામાં આવી રહ્યું છે. તેમણે હોકીના મહાન ખેલાડી મેજર ધ્યાનચંદના જીવન ઉપર પ્રકાશ ફેંકતા જણાવ્યું હતું કે, મેજર ધ્યાનચંદ હોકીના મહાન ખેલાડી હતા, તેમને હોકીના જાદુગર પણ કહેવામાં આવે છે. તેઓ હોકીની રમતમાં સર્વકાલીન મહાન ખેલાડીઓમાંથી એક છે. તેમણે 1928, 1932 અને 1936માં એમ ત્રણ વખત ઓલમ્પિકમાં ભારતને સ્વર્ણ પદક અપાવ્યા હતા. મેજર ધ્યાનચંદના જન્મ દિવસને ભારતના રાષ્ટ્રીય રમત-ગમત દિવસના રૂપમાં મનાવવામાં આવે છે. ઈ.સ.1956માં ધ્યાનચંદને પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
દીવમાં આયોજીત કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રીમતી ભાનુ પ્રભા, ડેપ્યુટી કલેક્ટર શ્રી શિવમ મિશ્રા અને કાર્યાલય અધ્યક્ષ શ્રી નિતિન ગજવાનીની ઉપસ્થિતિમાં મેજર ધ્યાનચંદજીને માનવંદના આપ્યા બાદ ટેબલ ટેનિસ સ્પર્ધાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આજરીતે દાદરા નગર હવેલીમાં રમત-ગમત નિર્દેશક શ્રી અરૂણ ગુપ્તાની ઉપસ્થિતિમાં ફુટસલ અને બેડમિન્ટન સ્પર્ધાના વિજેતા ખેલાડીઓને ટ્રોફી અને મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આજના તમામ કાર્યક્રમોના આયોજક યુવા કાર્યક્રમ અને રમત-ગમત વિભાગના અધિકારી શ્રી અક્ષય કોટલવાર રહ્યા હતા. તેમણે વક્તવ્ય આપતાં જણાવ્યું હતું કે, આજના સમયમાં લોકો વિવિધ પ્રકારની ચિંતાઓથી ઘેરાયેલા રહેતા હોય છે. રમત-ગમત આપણને આ તમામ સમસ્યાઓ, તણાવ અને ચિંતાઓથી મુક્ત કરે છે. રમત-ગમતને જીવનનું જરૂરી અંગ માનનારા જીવનમાં આવતી સમસ્યાઓનો સામનો કરવા માટે સક્ષમ હોય છે. સશક્ત રાષ્ટ્રના નિર્માણ માટે આપણાં યુવાઓએ રમત-ગમતમાં વધુમાં વધુ ભાગ લેવો જોઈએ.
આજે દમણ ખાતે આયોજીત ટગ ઓફ વોર(દોરડાખેંચ) સ્પર્ધામાં સિનિયર મેન્સ શ્રેણીમાં હેડ ઓફ સ્પોર્ટ્સ ટીમ વિજેતા બની હતી જ્યારે રનર્સ અપ દમણ સિટિઝન રહી હતી અને એસ.પી.ઈલેવન ત્રીજા ક્રમાંકે રહી હતી.
સિનિયર વુમન્સની સ્પર્ધામાં વિજેતા હેડ ઓફ સ્પોર્ટ્સ ટીમ બની હતી જ્યારે રનર્સ અપ શ્રીનાથજી સ્કૂલ-એ રહી હતી. જ્યારે શ્રીનાથજી-બી ત્રીજા ક્રમે રહી હતી.
એજ રીતે અંડર-19 ગર્લ્સની સ્પર્ધામાં ભીમપોર સ્કૂલ વિજેતા, મોડેલ સ્કૂલ રનર્સ અપ અને સાર્વજનિક વિદ્યાલય ત્રીજા ક્રમે રહેવા પામીહતી.
અંડર-19 બોયઝની સ્પર્ધામાં દિવ્ય જ્યોતિ સ્કૂલ વિજેતા બની હતી જ્યારે રનર્સ અપ જી.એચ.એસ.એસ., દમણવાડાની ટીમ બની હતી. ત્રીજા ક્રમે માછી મહાજન સ્કૂલ રહી હતી.
અંડર-19 મિક્સમાં માછી મહાજન સ્કૂલ વિજેતા બની હતી અને રનર્સ અપ હોલી ટ્રિનિટી જ્યારે ત્રીજા ક્રમે કોસ્ટ ગાર્ડ પબ્લિક સ્કૂલ રહી હતી.
પ્લેંક ચેલેન્જ ગર્લ્સની શ્રેણીમાં પ્રથમ સ્થાને પ્રીતિ વર્મા, દ્વિતીય સ્થાને ઠાકુર પ્રીતિ દિનેશ અને તૃતિય સ્થાને અંકિતા નોંખવાલ રહી હતી.
બોયઝમાં પ્રથમ સ્થાને પ્રણવ પ્રકાશ સિંહ, દ્વિતીય સ્થાને અમિત દીનાનાથ તિવારી અને તૃતિય સ્થાને સોમેશ કુમાર રહ્યા હતા.
વિજેતા ખેલાડીઓને રમત-ગમત વિભાગ દ્વારા ટ્રોફી, મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી દેવરાજ સિંહ રાઠોડ, શ્રી મહેશ પટેલ અને શ્રી નનજી જેઠવા અને વિવિધ શાળાઓના શિક્ષકો અને વિભાગના સ્ટાફે તેમના અમૂલ્ય ફાળો આપ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, મેજર ધ્યાનચંદ મહાન હોકીના ખેલાડી હતા. તેમની જન્મ જયંતિ નિમિત્તે ‘રાષ્ટ્રીય રમત-ગમત દિવસ’ની ઉજવણી સંઘપ્રદેશ દ્વારા કરવામાં આવી છે, પરંતુ સંઘપ્રદેશમાં ક્યાંય હોકીની રમત રમાડવામાં આવતી નથી.