2016માં પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલની પ્રધાનમંત્રી શ્રી દ્વારા કરાયેલી વરણી બાદ છેલ્લા 8 વર્ષમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવે દરેક ક્ષેત્રે આભને આંબતી કરેલી પ્રગતિ બદલ નગરપાલિકાના કાઉન્સિલરો, જિલ્લા પંચાયતના સભ્યો તથા ગ્રામ પંચાયતના સરપંચોએ દિલથી માનેલો આભાર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.29 : દમણ નગરપાલિકા અને દમણ જિલ્લા પંચાયતે આજે પોતાની અલગ અલગ બેઠકમાં ઉપસ્થિત તમામ સભ્યોએ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં થયેલા સર્વાંગી વિકાસ બદલ સર્વાનુમતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો આભાર પ્રગટ કરતો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણ નગરપાલિકામાં અધ્યક્ષ શ્રી અસ્પીભાઈ દમણિયા અને દમણ જિલ્લા પંચાયતમાં પ્રમુખ શ્રીમતી જાગૃતિબેન પટેલના નેતૃત્વમાં મળેલ ખાસ સમાન્ય સભામાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2016માંગુજરાત રાજ્યમાં તેમના સાથી રહેલા શ્રી પ્રફુલભાઈ પટેલને પ્રદેશની કમાન સોંપવાના લીધેલા નિર્ણય બાદ છેલ્લા આઠ વર્ષમાં પ્રશાસક તરીકે પ્રદેશને શિક્ષણ, આરોગ્ય, પ્રવાસનવિકાસ, કનેક્ટિવિટી, ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રે ઐતિહાસિક પ્રોજેક્ટોની ભેટ આપવા બદલ ઉપસ્થિત તમામ સભ્યોએ સર્વાનુમતે આભાર પ્રસ્તાવ પસાર કર્યો હતો.
આભાર પ્રસ્તાવમાં છેલ્લા 8 વર્ષમાં સંઘપ્રદેશ પ્રશાસને મેળવેલી સિદ્ધિનો પણ ઉલ્લેખ કરાયો હતો. જેમાં મુખ્યત્વે સરકારી નમો મેડિકલ કોલેજ, એન્જિનિયરીંગ કોલેજ, નર્સિંગ કોલેજ, નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ ટેક્સટાઈલ(નિફટ), ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી(જીએનએલયુ) કેમ્પસ-સેલવાસ, ત્રિપ્પલ આઈ.ટી., નવી આંગણવાડીઓ, નવી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓનું નિર્માણ, નમો પથ, રામસેતૂ, ઐતિહાસિક કિલ્લાઓનું સૌંદર્યકરણ, ઓવરબ્રિજ સહિતના થયેલા અનેક કામોની નોંધ લેવામાં આવી હતી અને દાદરા નગર હવેલી અને દમણ-દીવને વિકાસની નવી ઊંચાઈ પર લઈ જવા બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો ઉપસ્થિત સભ્યોએ સર્વાનુમતે આભાર પ્રસ્તાવ પસાર કર્યો હતો.
જિલ્લા પંચાયત દ્વારા આયોજીત ખાસ સામાન્ય સભામાં જિલ્લા પંચાયતના સભ્યો તથા સરપંચો ઉપસ્થિત રહ્યા હતા.