(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.૦પ: રાજય સરકાર દ્વારા સગર્ભા સ્ત્રીઓ, ધાત્રી માતાઓ, કિશોરીઓ અને ૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં પોષણના પરિણામોને સર્વગ્રાહી રીતે સુધારવાના પ્રયાસ હેઠળ ચાલુ માસને પોષણ માસ તરીકે ઉજવણીના અભિયાન અંતર્ગત જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં બેઠક યોજાઇ હતી.
કલેકટરશ્રીએ બેઠકમાં જણાવ્યું હતુ કે, રાજય સરકાર દ્વારા આ પોષણ અભિયાનની શરૂઆત વર્ષ ૨૦૧૭-૧૮માં કરવામાં આવી હતી. ત્યારથી આજ દિન સુધી ૬ પોષણ માસની ઉજવણી કરવામાં આવી છે અને ચાલુ માસમાં સાતમા રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી તા. ૧ થી તા. ૩૦ સપ્ટેમ્બર સુધી કરવામાં આવી રહી છે. જેમાં એનિમિયા,વૃધ્ધિ દેખરેખ, પૂરક આહાર, પોષણ ભી પઢાઈ ભી, સુશાસન, પારદર્શિતા અને કાર્યક્ષમ સેવા પહોંચાડવા માટે ટેકનોલોજી તેમજ સર્વગ્રાહી પોષણની થીમ ઉપર સંબધિત વિભાગો દ્વારા વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવશે.
વધુમાં કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, જિલ્લાના સંકલિત બાળ વિકાસ વિભાગ અને અન્ય વિભાગોના સાથેના સંકલનથી પોષણ માસનો શુભારંભ અને તે અંતર્ગત થીમ મુજબ પ્રવૃત્તિઓ થાય તે પ્રમાણે આ પ્રવૃત્તિઓ કરવા અને મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ૨૦૨૧ માં શરૂ કરાયેલ પોષણ ટ્રેકર એપ્લિકેશન આંગણવાડી કેન્દ્રો અને પોષણ ટ્રેકરનું સ્ટેટ ડેશબોર્ડથી રિયલ ટાઇમ મોનિટરિંગ કરવા જણાવ્યું હતું. જેનાથી વૃદ્ધિની દેખરેખ અને પૂરક પોષણ વિતરણનું નિરીક્ષણ થઇ શકે છે.
પોષણ માસ દરમિયાન રાજય સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ, શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગ, આયુષ વિભાગ, જિલ્લા ગ્રામવિકાસ એજન્સી અને સંબધિત વિભાગો દ્વારા પોષણ માસની થીમ મુજબ વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવશે. એનિમિયા થીમ અંતર્ગત આંગણવાડીના બાળકોના, ૧૪ થી ૧૮ વર્ષની ઉમરની એડોલન્સ છોકરીઓના, આયુષ વિભાગ દ્વારા એનિમિયા બાબતે સેન્સેટાઇઝેશન અને ટેસ્ટ તેમજ તેની સારવાર કરવામાં આવશે. ગ્રોથ મોનીટરીંગ થીમ અંતર્ગત આંગણવાડીના બાળકોની વૃધ્ધિ માટે શુધ્ધ, સાત્વિક અને પોષણક્ષમ ભોજન આપવામાં આવે છે તેની જાગૃતતા કેળવવા માટેના કેમ્પો, શહેરી અને આદિજાતિ વિસ્તારમાં બાળકોની વૃધ્ધિ માટે ડ્રાઇવ ચલાવવી જેમાં સ્વસ્થ બાળકોની સ્પર્ધા, ધાત્રી માતાઓને પણ શુધ્ધ અને સાત્વિક ખોરાક મળી રહે તે અંગે જરૂરી ચકાસણી કરવાની રહેશે. કોમ્પ્લીમેન્ટરી ફીડીંગ અંતર્ગત સ્થાનિક ભોજનની રેસીપી મુજબ ડેમોસ્ટ્રેશન, ધાત્રી માતાઓને તેમના આરોગ્ય બાબતે જરૂરી કેમ્પો કરી ગભાર્વસ્થામાં કયો અને કેટલો ખોરાક તેમના બાળકો માટે જરૂરી છે તેનાથી તેમને માહિતગાર કરવામાં આવશે. પોષણ ભી પઢાઇ ભી થીમ અંતર્ગત શિક્ષા ચોપાલ, બાળકો ખેલો ઓર પઢો વગેરે પ્રવૃત્તિઓ દ્વારા આંગણવાડીના બાળકોને રમતા રમતા અભ્યાસ કરી શકાય તે માટેનું ડેમોસ્ટ્રેશન કરવામાં આવશે. ટેકનોલોજી ફોર બેટર ગર્વન્સ અંતર્ગત પોષણ ટ્રેકર માટેનું માળખું મજબૂત કરવું.