(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.13: સાતમા ‘‘રાષ્ટ્રીય પોષણ માહ” ની ઉજવણીઅંતર્ગત સપ્ટેમ્બર- 2024માં દર વર્ષની જેમ આ વર્ષે પણ વલસાડ જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રો પર ઉજવણી કરવામાં આવી રહી છે.
પોષણ માહ- 2024 અંતર્ગત સમગ્ર ગુજરાતમાં અતિકુપોષિત બાળકોના કુપોષણને દૂર કરવા માટે આઈ.સી.ડી.એસ શાખામાં વલસાડ તાલુકાના વલસાડ ઘટક-3માં પારડી પારનેરા-5 બંગલી ફળિયાના આંગણવાડી કેન્દ્રમાં કુપોષિત બાળક અને અતિકુપોષિત બાળકોને દાતાશ્રી તરફથી ખજૂર અને સીંગદાણા ચિક્કીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મગોદ ડુંગરી-2 નારીછેડા ફળિયાના આંગણવાડી કેન્દ્રમાં પણ દાતાશ્રી તરફથી બાળકોને પ્રોત્સાહિત કરવા ફળ અને ખજૂર વિતરણ કરવામાં આવ્યા હતા સાથે ‘‘પૌષ્ટિક અને સમતોલ આહાર, શરીરને આપે તંદુરસ્તી અપાર” નાં સૂત્ર સાથે સ્વસ્થ જીવનનો આધાર પૌષ્ટિક આહાર વિષે માહિતગાર કરતા ચોપાનીયાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
આમ, ઘટકમાં એક બાજુ કુપોષણ પર ધ્યાન કેન્દ્રિત રાખવામાં આવે છે જ્યારે બીજી તરફ તંદુરસ્ત બાળકોને પ્રોત્સાહન પણ કરવામાં આવે છે. આ સાથે સગર્ભા માતાઓને માતૃશક્તિનો ઉપયોગ, નિયમિત રસીકરણ અને 6 માસ સુધી ફક્ત સ્તનપાન અને સગર્ભાવસ્થા દરમિયાન રાખવાની થતી કાળજી વિશે સમજ આપવામાં આવી હતી. પોષણ માસનું કેન્દ્રબિંદુપોષણ આધારિત સંવેદના માટે માનવ જીવનચક્રના મુખ્ય તબક્કાઓ એટલે કે ગર્ભાવસ્થા, બાલ્યાવસ્થા, બાળપણ અને કિશોરાવસ્થા વિશે જાગૃતિ લાવવાનો છે.