(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.13: વલસાડ જિલ્લામાં ચાલુ ચોમાસાની ઋતુમાં આજદિન સુધી કુલ અંદાજીત 100 ઇંચ જેટલો વરસાદ પડયો છે. નિરંતર અને સાર્વત્રિક વરસાદના કારણે તેમજ અમુક દિવસોમાં ધોધમાર વરસાદના કારણે માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ હસ્તકના રસ્તાઓ તેમજ ડુબાઉ નાળા/કોઝવેને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું હતું. જેને ચોમાસાની ઋતુ દરમ્યાન મેટલ/જીએસબી/વેટમિક્ષ મટીરીયલ તેમજ વિવિધ મશીનરીઓના માધ્યમથી યુદ્ધના ધોરણે રીપેર કરી રસ્તાઓ પરથી ટ્રાફિક અવરજવર થઈ શકેતેવા બનાવવામાં આવ્યા હતા.
હાલ વર્ષા ઋતુના વિરામ બાદ ઉઘાડ પડતા પંચાયત (મા.મ) વિભાગ દ્વારા જિલ્લામાં પંચાયત હસ્તકના રસ્તાઓને તાકીદે ડામર પ્લાન્ટ શરૂ કરી રસ્તાઓ ઉપર ડામર પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે કામગીરી સત્વરે પૂર્ણ કરી વાહન ચાલકોને ખરાબ રસ્તા પરથી પસાર થવામાંથી મુક્તિ મળશે.