તરીયાવાડના યુવાનોએ અથાગ મહેનત કરી ક્ષતિગ્રસ્ત મુર્તિઓને દૂર દરિયામાં હોડીમાં લઈ જઈ વિસર્જન કર્યું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.18: મંગળવારે અનંત ચૌદશના દિવસે વલસાડ શહેરની નાની મોટી 350 ઉપરાંત શ્રીજીની મૂર્તિઓ ઔરંગા નદીમાં ભાવિકોએ શ્રધ્ધાપૂર્વક વિસર્જન કર્યું હતું. આજે બીજા દિવસે વલસાડ તરીયાવાડના સેવાભાવી યુવાનોએ ક્ષતવિક્ષત કિનારે પડી રહેલી મૂર્તિઓનું વિસર્જન કરીને કિનારો ચોખ્ખો કર્યો હતો.
મોટા ભાગે ગણેશ વિસર્જનના બીજા દિવસે શ્રીજીની મૂર્તિઓ દરિયા કે નદી કિનારે વિક્ષત હાલતમાં જોવા મળે છે. અખબારોમાં તસવીરો પણ છપાય છે. આસ્થા સાથે ચેડા થયેલી સ્થિતિ દરેક વર્ષે જોવા મળે છે તેથી આ કલંકને નેસ્ત નાબૂદ કરવાનું બીડુ વલસાડ તરીયાવાડના સેવાભાવી યુવાનોએ ઝડપ્યું હતું. આજે ઔરંગા નદીમાં વિસર્જીત કરાયેલી 350 ઉપરાંત શ્રીજી મૂર્તિઓ પૈકી જે મૂર્તિઓનું પુર્ણ વિસર્જન થયું નહોતુ તેવી મૂર્તિઓને અથાગ મહેનત કરી રી-વિસર્જન કરી હતી.મોટી મૂર્તિઓને બોટ કે હોડીમાં ઊંડે દરિયામાં લઈ જઈને વિસર્જીત કરી હતી. તેથી ઔરંગા નદીનો કિનારો આજે ચોખ્ખો થઈ ગયો હતો. એકપણ મૂર્તિ ખરાબ સ્થિતિમાં જોવા મળી નથી. વલસાડમાં વિસર્જનની શ્રેષ્ઠ કામગીરી પોલીસ, ફાયર અને સફાઈ કામદારોએ સુપેરે પાર પાડી હતી.