(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.24 : ગઈકાલે રાત્રિના સુમારે સેલવાસ-નરોલી રોડ પર અથાલ દમણગંગા નદીના પુલ પર એક યુવાન દોડતો દોડતો આવી નદીમાં ઝંપલાવી દીધું હતું.ફાયર વિભાગની ટીમે રેસ્કયુ કરી યુવાનને બચાવી સારવાર અર્થે સિવિલ હાસ્પિટલમાં દાખલ કરવામા આવ્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ઉમેશ કુમાર (ઉ.વ.21) હાલ રહેવાસી પ્રમુખ વિહાર સોસાયટી- સેલવાસ અને મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશ. જે સોમવારની રાત્રિના દસ વાગ્યાના સુમારે ઘરના વડીલો સાથે અગમ્ય કારણસર ઝગડો કર્યા બાદ હું મરી જઈશ એમ કહી સોસાયટીમાંથી દોડતો દોડતો બહાર નીકળી ગયો હતો, જેની પાછળ એમના પરિવારના સભ્યો પણ દોડીને પકડવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ હાથમા આવ્યો ન હતો અને દમણગંગા નદીના પુલ પરથી છલાંગ લગાવી દીધી હતી.
આ ઘટના અંગે ફાયર અને પોલીસ તંત્રને કરવામાં આવતા ફાયરના લાશ્કરો અને પોલીસકર્મીઓની ટીમ ધસી આવી હતી.લગભગ દોઢ કલાકની ભારે જહેમત બાદ યુવાનને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો, તે સમયે અર્ધબેભાન અવસ્થામાં હતો જેથી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવકની હાલત નાજુક હોવાના કારણે વધુ સારવાર માટે આઈ.સી.યુ. વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલના સમયમાં યુવાનોમાં ધીરજની કમીના કારણે અજુગતુ પગલું ભરી દેવાનો જાણે નિયમ બની ગયો હોય એમ ઘટના બની રહી છે. અંતે જેનો ભોગ એમના પરિવારના વડીલો અને સભ્યોએ ભોગવવો પડે છે.
