(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.25: જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર – કલેકટર કચેરી વલસાડ અને 6 BN NDRF TEAM ના સહયોગથી ઈંડિયન રેડ ક્રોસ સોસાયટી વલસાડ જીલ્લા શાખાના સયુંકત ઉપક્રમે અને બલસાર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશનના (BDCA) સહયોગમાં જિલ્લા કલેક્ટરશ્રી નૈમેષ દવેની ઉપસ્થિતિમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ તાલીમ મોઘાભાઈ હૉલ ખાતે યોજાઈ હતી.
આ તાલીમનો મુખ્ય હેતુ ડીઝાસ્ટર પ્રીપેડનેસ અને મેનેજમેન્ટ માટે લોકોને ઉજાગર કરી આફ્તના સમયે સાવચેતી માટેની પૂર્વ તૈયારી અને આફત દરમ્યાન વધુને વધુ લોકોને બચાવવાનો તથા જાનમાલને થતાં નુક્શાનને અટકાવવાનો હતો. તાલીમમાં કુલ ૧૨૦ લોકોએ સહભાગી થઈ સફળતાપૂર્વક તાલીમ લીધી હતી. તમામ તાલીમાર્થીઓને સર્ટિફિકેટ, NDRF TEAMના ૩૦ ટ્રેનરો, ફાયર વિભાગ અને ૧૦૮ની ટીમને પણ સ્મૃતિભેટ આપી બિરદાવવામાં આવ્યા હતાં.
કલેક્ટરશ્રી નૈમેશ દવેએ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની કામગીરીને બિરદાવી હતી. આ તાલીમ શિબિરમાં સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ તરફથી CSR Fund માંથી મળેલ ડિઝાસ્ટર મેનેજમેન્ટના સાધનોની ૨૦ કીટ વિવિધ સેવાભાવી સંસ્થાઓને અર્પણ કરી બિરદાવ્યા હતા.
ગત વર્ષે સુમિટોમો કેમિકલ ઈન્ડિયા લિમિટેડ-વાપીના CSR ફંડ હેઠળ યૂથ રેડ ક્રોસ કાર્યકર્મ અંતર્ગત જિલ્લાના ૨૭૦૦ વિધ્યાર્થીઓને CPR અને First Aid ની તાલીમ આપવામાં આવેલ તથા ૫૬ આશ્રમ શાળાને ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટેના સાધનો ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી, વલસાડ જિલ્લા શાખા તરફથી આપવામાં આવ્યા હતા.
NDRF TEAMના ઇન્સ્પેકટર રમેશ કુમાર દ્વારા NDRF ની કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપી પ્રેક્ટિકલ દ્વારા તાલીમાર્થીઓને બચાવ અને રાહત કામગીરીમાં મદદરૂપ થવા તેમજ વધુને વધુ લોકોને આગળ આવવા આહવાન કર્યું હતું. નગર પાલિકા વલસાડની ફાયર વિભાગની ટીમ દ્વારા આગની પરિસ્થિતીમાં રાખવાની સાવધાની તથા આગ પર કાબુ મેળવવાના સાધનોનો પ્રેક્ટિકલ ડેમો આપવામાં આવ્યો હતો. ૧૦૮ની ટીમના સભ્યોએ ૧૦૮ એમ્બ્યુલન્સની કાર્યપ્રણાલી અને સમાવિષ્ટ સાધનોનો ઈમર્જન્સીમાં ઉપયોગનું નિદર્શન કરી ઉપયોગી માહિતી આપી હતી.
તાલીમમાં પદ્મશ્રી ડો. યઝદી ઇટાલિયા, ડિઝાસ્ટર મામલતદાર નફિસાબેન શેખ, 6 BN NDRF TEAMના ઇન્સ્પેકટર રમેશ કુમાર, નાયબ મામલતદાર, DPO શ્રી જયવીરસિંહ, ફાયર વિભાગના શ્રી લલીત પરમાર, બીડીસીએ મંત્રી મહાદેવભાઇ દેસાઇ, સુમિટોમો કેમિકલ ઈન્ડિયા લિમિટેડ-વાપીના સાઇટ એચ. આર. હેડ ઉદયભાઈ ભંડારી, NDRF TEAMના જવાનો અને નગરપાલિકાના સભ્યો હાજર રહ્યા હતા.