કંપની દ્વારા વર્કરો માટે બનાવવામાં આવેલ શૌચાલયમાં ઉપયોગમાં લેવાતા પાણીનો પણ એસટીપી પ્લાન્ટ બનાવી રિસાયકલ કરીને ફૂલછોડ અને વૃક્ષોના સિંચાઈ માટે ઉપયોગમાં લેવામાં આવે છે
(વિશેષ મુલાકાત- સંજય તાડા)
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.26: છોડમાં રણછોડ જેમનો ગુરુ મંત્ર છે તેમણે પોતાની કંપનીની આસપાસમાં 20 હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરી અનોખો દાખલો બેસાડ્યો.
ઇન્ડસ્ટ્રીઝ એ જળ વાયુ પ્રદુષણ જ કરે છે એવો લોકોને મનમાં એક વહેમ ઘર કરી ગયો પરંતુ એ વહેમ દૂર કરવા વાપીના જ સુનિલભાઈ શાહે તેમની કંપનીની આસપાસમાં એક હરિયાળું વાતવરણ ઉભું કરીને અન્ય લોકોની સોચ્ બદલી નાખી છે. તેમને સાગ, મહાગુણી, ચંદન સહિત ફળોના 20000 વૃક્ષોનું વાવેતર કર્યું છે.
વાપી નજીકમાં આવેલ આર્યન પેકેજીંગ ઇન્ડસ્ટ્રીઝ પરિયા ખાતે 7 એકર જેટલી જગ્યામાં કંપની આવેલી છે. જ્યાંસાગ, મહાગુણી, ચંદન તેમજ વિવિધ ફળોના સેંકડો વૃક્ષોનું વાવેતર કર્યું છે એટલું જ નહીં તેમની આસપાસ આંબા વાડીમાં ઉભેલા 35 વર્ષ જુના આંબાના ઝાડની પણ એક પણ ડાળીને કાપ્યા વિના તેની માવજત કરી છે એટલે કે કંપનીની આસપાસ પ્રાકળતિક સંપદાને એક માં બાળકને સાચવે એ રીતે સંભાળ લીધી છે અને આજે કંપનીની આગળના ભાગમાં આવેલ સાગના ઝાડો દોઢ વર્ષની વયના બન્યા છે.
આર્યન પેકેજીંગના માલિક સુનિલભાઈ શાહે જણાવ્યું કે, તેઓ પેઢી દર પેઢીથી પેકેજીંગ અને પેપર મિલના વ્યવસાય સાથે સંકળાયેલા છે. 1945માં તેમના વડવાઓએ મુંબઈમાં કંપની શરૂ કરી હતી અને તે પછી 1978માં વાપી ખાતે સ્થાયી થયા અને 1990 માં પેપર મિલ સાથે સંકળાયેલા હતા સુનિલભાઈ પોતાના વ્યવસાય સાથે આધ્યાત્મિકતાને પણ અનુસરે છે તેઓ ભાગવત ગીતાને આજે પણ અનુસરે છે તેમનું કહેવું છે કે સૃષ્ટિમાં રહેલા પંચ મહાભૂત તત્વોમાં તમે કોઈને પણ નુકશાન કરો તો તેનો બદલો તમારો ભોગવવાનો રહે છે. માટે પર્યાવરણ પ્રકળતિનું જતન કરવું જોઈએ. પર્યાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વધારો વૃક્ષો કરે છે. વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઈડને શોષી લેતા વૃક્ષોનું મનુષ્ય નિકંદન કાઢી રહ્યો છે. એક સાગનું વૃક્ષ દરરોજ સરેરાશ 55થી 82 ગ્રામ કાર્બન શોષી લે છે. વર્ષમાં એક ઝાડ 20 થી 30 કિલો ગ્રામ કાર્બન શોષી લે છે જ્યારે મહાગુણીના એક ઝાડ એક દિવસમાં 66 થી 96 ગ્રામ કાર્બન શોષી લે છે તો વર્ષ દરમ્યાન 25 થી 35 કિલો ગ્રામ કાર્બન શોષી લે છે.
સુનિલભાઈએ પોતાની કંપનીની આસપાસની 2000 મીટર જગ્યામાં 20 હજાર જેટલા વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કર્યું છે. જેમાં 1000 સાગના વૃક્ષો, 1000 મહાગુણીના વૃક્ષો તેમજ અન્ય ફળના વૃક્ષો જેથી આસપાસના વિસ્તારમાં રહેતા પક્ષીઓ માટે પણ ફળોનો ખોરાક મળી રહે. આર્યન પેકેજીંગ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પહેલ કરીને તેમના વર્કરો માટે બનાવવામાં આવેલ જાહેર શૌચાલયમાં ઉપયોગમાં લેવામાં આવતું પાણી પણ એસટીપી પ્લાન્ટ બનાવી રિસાયકલ કરીને ફૂલછોડ અને વૃક્ષોના સિંચાઈ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે કે શૌચાલયના પાણીનો પણ ઉપયોગ કરાય છે.
ઉદ્યોગપતિઓ ધારે તો પર્યવરણને નુકશાન પોહચાડ્યા વિના પણ પોતાનો વ્યવસાય ખૂબ સારી રીતે કરી શકે છે. એજ દાખલો આર્યન પેકેજીંગ કંપનીના સુનિલભાઈ શાહે 20000 વૃક્ષોનું વાવેતર કરીને બેસાડ્યો છે.
—-