(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ,તા.27 : નાની દમણના ડાભેલ સ્થિત બ્રહ્મદેવ બાપાના મંદિરના પરિસરમાં મનોજ દુર્ગા યાદવ નામના વ્યક્તિ દ્વારા ગેરકાયદે બાંધકામ કરી દબાણ કરવામાં આવેલ છે તે બાબતે આજે ડાભેલ સહિત આટિયાવાડ, સોમનાથ, ઘેલવાડ વગેરે ગામના 400 થી 500 જેટલા નાગરિકોની સહી સાથે દમણ જિલ્લા કલેક્ટર અને એસોસિએટ ટાઉન પ્લાનરશ્રીને આવેદન આપી વિરોધ પ્રદર્શન કરી ગેરકાયદે તાણી બાંધેલા દબાણને તાત્કાલિક અસરથી હટાવવા માટે વિનંતી કરવામાં આવી હતી.
મનોજ દુર્ગા યાદવ નામની વ્યક્તિ દ્વારા વર્ષો જૂના આસ્થાના પ્રતિક એવા બ્રહ્મદેવ મંદિર પરિસરમાં ગેરકાયદેસર રીતે તાણી બાંધેલા મકાનને હટાવવા બાબતે ડાભેલના અગ્રણીઓ દ્વારા કલેક્ટરશ્રીને આપેલા આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે, અમે દાભેલ ગામના તમામ રહેવાસીઓ, બિલ્ડર મનોજ દુર્ગા યાદવ દ્વારા ગેરકાયદેસર બાંધકામના કામોને વિસ્તારવા અને મંદિરના પરિસરને કબજે કરવાના કળત્યથી ધાર્મિક ઠેસ પહોંચાડવાના વિષયમાંઆપશ્રીનું ધ્યાન દોરવા માંગીએ છીએ જેની અમે અમારા પૂર્વજોથી પૂજા કરીએ છીએ.
મંદિર ભગવાન બ્રહ્મદેવના નામ પર અમારા સ્થાનિક અસ્તિત્વને સમર્પિત છે જે ગામના ક્ષેત્રપાલ/રક્ષક તરીકે માનવામાં આવે છે. તે અમારા ગામના દરવાજાના પ્રવેશદ્વાર પર આવેલું છે અને અમારા પૂર્વજો દ્વારા પોર્ટુગીઝ શાસન પહેલાથી પણ અહીં મંદિરમાં દરરોજ પૂજાઅર્ચના કરવામાં આવતી હતી અને અવિરત ચાલુ છે.
પરંતુ હાલમાં આ જમીન લલિતા દુર્ગા યાદવ અને મંજુ દુર્ગા યાદવ દ્વારા ખરીદવામાં આવી હતી, તે પહેલાં અમે ગામના વરિષ્ઠ આગેવાનો અને જમીનના અગાઉના માલિકની હાજરીમાં ગ્રામસભામાં ચર્ચા કરી હતી અને ગામના લોકોને ખાતરી આપી હતી કે આ મંદિરમાં પહેલાંની જેમ ભાવિક ભક્તોને ભગવાનની પૂજાવિધિ કરવા દેવામાં આવશે અને તેમાં ભવિષ્યમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. પરંતુ ઘણા દિવસોથી મનોજ દુર્ગા યાદવ નામના વ્યક્તિએ વર્ષો જૂના આસ્થાનું પ્રતિક એવા મંદિર પરિસરમાં બાંધકામ શરૂ કરી ગામની શાંતિને ખલેલ પહોંચાડી છે. જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાઈ રહ્યો છે.
આ ઉપરાંત સર્વે નં.63/1, 63/4, 63/5, 61/3, નઝીર એ. દિગ્માર, મંજુ દુર્ગા યાદવ, લલિતા દુર્ગા યાદવ અને શ્રી સિદ્ધિ વિનાયક એન્ટરપ્રાઈઝના નામે નોંધાયેલીજમીનના હાલના સહ-કબજેદારોએ ઉપરોક્ત સર્વે નંબર પર ગેરકાયદે બાંધકામ કર્યું છે. તેથી બ્રહ્મદેવ બાપા મંદિર પરિસરમાં મનોજ દુર્ગા યાદવ દ્વારા કરાયેલા અતિક્રમણને દૂર કરવામાં આવે તેવી ગ્રામજનોએ કલેક્ટર સમક્ષ આવેદનપત્ર દ્વારા માંગણી કરી છે.
જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપતી વખતે શ્રી નવીન અખ્ખુ પટેલ, શ્રી અશોક પ્રેમા પટેલ, શ્રી રામસિંગ કાલીદાસ પટેલ, શ્રી તરંગ પટેલ, એડવોકેટ શ્રી મયંક પટેલ, શ્રી પિયુષ પટેલ, શ્રી હરીશ પટેલ, શ્રી વિમલ પટેલ, શ્રી અનિલ ભગુ પટેલ, શ્રી રાજેશ પટેલ, શ્રી નિલેશ શંકર પટેલ, શ્રી સોમા ખાલપા પટેલ, શ્રી જયેશ પટેલ, શ્રી મુકેશ નરસિંહ પટેલ તેમજ ડાભેલ, ઘેલવાડ, અટીયાવાડ અને સોમનાથ ગ્રામ પંચાયતના નાગરિકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
