દમણ-દીવવાસીઓમાં આનંદની લહેરઃ ઉમેશભાઈ પટેલ ઉપર કરવામાં આવી રહેલી અભિનંદનની વર્ષા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27: દમણ-દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલને લોકસભાની કળષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ અને ફૂડ પ્રોસેસિંગની સ્થાયી સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા છે. લોકસભાના સ્પીકર શ્રી ઓમબિરલાએ દમણ-દીવના સાંસદશ્રી ઉમેશભાઈ પટેલને તેમની રુચિ મુજબ કળષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ અને ખાદ્ય પ્રક્રિયા સમિતિના સભ્ય બનાવ્યા છે. સાંસદ ઉમેશભાઈ પટેલને આ સમિતિના સભ્ય બનાવાતા દમણ-દીવના લોકોમાં ખુશીની લહેર પ્રસરી છે.
આ અવસરે સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, તેઓ તેમના પ્રદેશ-જિલ્લાના ખેડૂતો અને માછીમારોની અપેક્ષાઓ અને જરૂરિયાતોને આ સમિતિના ટેબલ પર મૂકીને ઉકેલવા માટે તમામ પ્રયાસો કરશે. સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે તેમને મળેલી જવાબદારી બદલ દમણ-દીવના નાગરિકોને અભિનંદન પાઠવ્યા છે. સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલને લોકસભા સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય બનાવવામાં આવતા સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના તમામ રહીશો અભિનંદનની વર્ષા કરી રહ્યા છે.