(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.10 : દાદરા નગર હવેલી ‘આદિવાસી એકતા પરિષદ’ અને ‘આદિવાસી સમન્વય ભારત મંચ’ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આગામી 16 નવેમ્બરના રોજ જન નાયક બિરસા મુંડાના જન્મોત્સવની ઉજવણીનું આયોજન કરાશે. ‘આદિવાસી એકતા પરિષદ’ આદિવાસી સમાજને એકજૂટ કરવા માટે સતત પ્રયત્નશીલ છે. આ વખતે ભગવાન બિરસા મુંડાના જન્મોત્સવના અવસરે થીમ છે ‘‘આદિવાસીના હક્ક અધિકારની લડાઈ”. અમે પ્રાંતવાદથી ઉપર ઉઠી બોર્ડરલેસ થઈ આદિવાસીઓની જમીન, જળ, જંગલ અને સંવૈધાનિક અધિકાર અને સુરક્ષાના માટે દેશના દરેક આદિવાસીઓને દરેક વિવાદોથી ઉપર ઉઠી એક મંચ અને એક બેનર નીચે અહિંસક રીતે લડાઈ લડવી પડશે.દાનહ ખાતે યોજાનારા કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના વાંસદા વિસ્તારના ધારાસભ્ય શ્રી અનંતભાઈ પટેલ, ડેડીયાપાડા વિસ્તારના ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા, આદિવાસી એકતા પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. શાંતિકર વસાવા, આદિવાસી સમન્વય મંચ ભારતના ડો. સુનિલ પરહાડ અને મધ્યપ્રદેશથી પોરલાલ ખરતે વિશેષ ઉપસ્થિત રહેશે.
‘આદિવાસી એકતા પરિષદ’ના પ્રદેશના આદિવાસીઓને હંમેશા એક દિશા આપવાનું કાર્ય કરે છે. જનનાયક બિરસા મુંડા જન્મોત્સવના કાર્યક્રમ અને મહારેલીમાં ગુજરાતના વલસાડ જિલ્લાના ઉમરગામ, વાપી, પારડી, તંબાડી, નાનાપોંઢા, કપરાડા, ધરમપુર અને અન્ય વિસ્તારમાંથી આદિવાસી સ્થાનીય સમાજ જોડાશે. આ એકતા મહારેલીમાં સંઘપ્રદેશના દરેકને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.

Previous post