
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03 : સંઘપ્રદેશના શિક્ષણ નિર્દેશક શ્રી જતિન ગોયલના માર્ગદર્શન અને સહાયક શિક્ષણ નિર્દેશક શ્રી પરિતોષ શુક્લાના નેતૃત્વમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવ ‘સમગ્ર શિક્ષા’ દ્વારા ઉચ્ચ પ્રાથમિક અને માધ્યમિકકક્ષાના બાળકો માટે બે દિવસીય જિલ્લા સ્તરીય પ્રશ્ન મંચ સ્પર્ધાનું આયોજન કલા કેન્દ્ર સેલવાસના ઓડિટોરિયમમાં કરવામાં આવ્યું હતું.
અત્રે આયોજીત જિલ્લા સ્તરીય પ્રશ્નમંચ સ્પર્ધામાં દાનહ જિલ્લાની 12 પ્રાથમિક અને 8 માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેઓને ગણિત વિજ્ઞાન અને સામાન્ય જ્ઞાન આધારિત પ્રશ્નોતરી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ બાળકોએ પોતાના જ્ઞાન અને કૌશલ્ય ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું. આ સ્પર્ધામાં વૈકલ્પિક પાસ ઓન ચિત્ર ઓળખ, બઝર અને રેપિડ રાઉન્ડ જેવા વિવિધ રાઉન્ડ રમાડવામાં આવ્યા હતા. બે દિવસીય આ કાર્યક્રમમાં પ્રાથમિક વિભાગમાં કેન્દ્ર શાળા દાદરા અંગ્રેજી માધ્યમ પ્રથમ સ્થાને અને પ્રાથમિક વિદ્યાલય મસાટ બીજા સ્થાને રહી હતી. જ્યારે માધ્યમિક વિભાગમાં ખાનવેલ અંગ્રેજી માધ્યમ શાળા બીજા સ્થાને રહી હતી. સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવનાર ટીમને ટ્રોફી, ચેક અને રૂા. 12 હજારનો ચેક તથા બીજો ક્રમ મેળવનારને ટ્રોફી, સર્ટિફિકેટ અને રૂા.7 હજારનો ચેક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ અવસરે સહાયક નિર્દેશક શ્રી પરિતોષ શુક્લા, શિક્ષણ અધિકારી શ્રી મોહિલે, શ્રી જયેશ ભંડારી, રમત-ગમત અધિકારી શ્રી ગૌરાંગ વોરા, જિલ્લા પરિયોજના સમન્વયક ડૉ. સતીષ પટેલ સહિત વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

