Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ભગવાનને આપણને ઘણું આપવું હોય છે, આપણે ક્ષુલ્લક માંગણીથી તેમની સત્તા પર શા માટે કાપ મૂકવો જોઈએ?

ગીતામાં ભલે લખ્‍યું છે કે, ‘કર્મ કરનારે ફળની અપેક્ષા ના રાખવી,’ પરંતુ એ યાદ રહે કે નિઃસ્‍વાર્થ ભાવનાથી કર્મ કરનારને અપેક્ષા કરતાં પણ મોટું જ ફળ મળે છે

1964 થી 1975 સુધી સાઉદી અરેબિયાના શાસક હતા કિંગ ફૈઝલ બિન અબ્‍દુલાઝીઝ અલ સઉદ. તેમણે પોતાના દેશમાં ગોલ્‍ફના મેદાનના ઉદ્‌ઘાટન પ્રસંગે અનેક પ્રતિષ્ઠો અને દુનિયાભરના ગોલ્‍ફના સો જેટલાં શ્રેષ્ઠ રમતવીરોને આમંત્રણ આપ્‍યું. ગોલ્‍ફના ઈતિહાસમાં આ એક નોંધપાત્ર ક્ષણ હતી, જે મધ્‍યપૂર્વમાં પ્રથમ વખત યોજાયેલી મોટી ગોલ્‍ફ ટૂર્નામેન્‍ટ પૈકીની એક હતી. આ ટૂર્નામેન્‍ટમાં ગોલ્‍ફના બેતાજ બાદશાહ એવા અમેરિકાના ગોલ્‍ફર આર્નોલ્‍ડ પામરે સાઉદી અરેબિયામાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.
ગોલ્‍ફ ટૂર્નામેન્‍ટના અંતિમ દિવસે રાજાએ સર્વે આમંત્રિતો સાથે શાહી ભોજન માણ્‍યું. રાજા ખૂબ ખુશ મિજાજમાં હતા. ભોજનના ટેબલ પર જઈ બધાંને વ્‍યક્‍તિગત રીતે મળ્‍યાં. જ્‍યારે રાજા આર્નોલ્‍ડ પામર પાસે આવ્‍યા ત્‍યારે રાજાએ તેને કહ્યું, ‘આપને માટે હું શું કરી શકું?’ રાજા તેમની રમતથી એટલો પ્રભાવિત થયો હતો કે તેણે પામરને ભેટ આપવાનો પ્રસ્‍તાવ મૂકયો!
આર્નોલ્‍ડ પામર તો અચંબો પામી ગયા. ઘડીક તો તેઓ નિઃશબ્‍દ બની ગયા. સાઉદી અરેબિયાના રાજા પાસે તેમણે ભેટની કોઈ અપેક્ષા રાખી નો’તી. તેમણે રાજાને નમ્રતાથી કહ્યું, ‘મને કોઈ ભેટની અપેક્ષા નથી. આપે મને આમંત્રણ આપ્‍યું એ જ મારાં માટે મોટું સન્‍માન છે.’
પરંતુ રાજા આર્નોલ્‍ડને ભેટથી નવાજવા ઉત્‍સુક હતાં. રાજાએ આર્નોલ્‍ડને સ્‍મિત સાથે કહ્યું, ‘જો તમે મારી ભેટ નહીં સ્‍વીકારો તો હું ખૂબ જ નારાજ થઈશ!’
પામરે એક ક્ષણ માટે વિચાર્યું અને કહ્યું, ‘ઠીક છે. મને એક ક્‍લબ આપજો. તે તમારા દેશની મારી મુલાકાતનો એક સુંદર મોમેન્‍ટો હશે.’
સમારંભપછી આર્નોલ્‍ડ પાછાં અમેરિકા આવી ગયા. બે-ત્રણ અઠવાડિયા પસાર થઈ ગયા તેમ છતાં રાજા તરફથી ભેટના કોઈ સમાચાર આવ્‍યા નહીં. આર્નોલ્‍ડે વિચાર્યું, ‘રાજા ખુશ મિજાજમાં બોલી ગયા હોય પરંતુ તેમને બધું યાદ થોડું રહે?’ આર્નોલ્‍ડની વાત પણ સાચી છે. સામાન્‍ય રીતે એવું જ બનતું હોય છે કે મોટા માણસ વચન આપીને ભૂલી જાય! આપણે ત્‍યાં ચૂંટણીના ઢંઢેરામાં લખ્‍યું હોય તે બધું જ કયાં સાચું થતું હોય છે? તેમ રાજા તરફથી કોઈ ભેટની અપેક્ષા રાખવી એ વધું પડતું કહેવાય!’
આર્નોલ્‍ડે ભેટના વિચારને પડતો મૂકયો. આમે ય આર્નોલ્‍ડને ભેટની અપેક્ષા પણ નો’તી.
આヘર્યની વાત તો એ હતી કે, કેટલાંક દિવસો પછી તેમના મેઈલ બોક્ષમાં એક મોટું કવર આવ્‍યું. કવર પર લખ્‍યું હતું ‘‘કોન્‍ફિડેન્‍સીયલ.” પ્રેષક હતા સાઉથ અરેબિયાના રાજા! આર્નોલ્‍ડે ઉતાવળથી તે વર ખોલ્‍યું અને તે સ્‍વપ્નની દુનિયામાં ખોવાઈ ગયા. કવરમાં અનેક વૃક્ષો અને એક નાનું તળાવ અને ક્‍લબ હાઉસ સહિતનો એક 500 એકરના વિસ્‍તારવાળો ગોલ્‍ફ મેદાનનો નકશો હતો. આર્નોલ્‍ડની આંખો પહોળી થઈ ગઈ! મોમેન્‍ટો તરીકે આવી ભેટ હોય શકે તેની તો એને કલ્‍પના પણ ન હતી. તેમના મનમાં હતી ગોલ્‍ફ ક્‍લબ એટલે કે ગોલ્‍ફ રમવાની સ્‍ટીક. પરંતુરાજાના મનમાં ગોલ્‍ફ ક્‍લબ એટલે ગોલ્‍ફનું મેદાન!
રાજાને મન ગોલ્‍ફ સ્‍ટીકની ભેટ ક્ષુલ્લક કહેવાય તેથી જ તેમણે ગોલ્‍ફ ક્‍લબની ભેટ આપી.
માંગણીથી મળેલું અને ભેટની ભાવનાથી મળેલામાં ઘણો તફાવત છે. માંગણીમાં માનવનો સ્‍વાર્થનો શ્વાસ ધબકે છે, જ્‍યારે ભેટમાં પ્રસન્નતાનો મેહ વરસે છે. આર્નોલ્‍ડનું કૌશલ્‍ય જ રાજાની પ્રસન્નતાનું કારણ બન્‍યું.
ગીતામાં ભલે લખ્‍યું છે કે, ‘કર્મ કરનારે ફળની અપેક્ષા ના રાખવી,’ પરંતુ એ યાદ રહે કે નિઃસ્‍વાર્થ ભાવનાથી કર્મ કરનારને અપેક્ષા કરતાં પણ મોટું જ ફળ મળે છે.
એક વડીલે એક નાના બાળકને ચોકલેટની ખુલ્લી બરણીમાંથી જેટલી ચોકલેટ જોઈએ તેટલી લેવા કહ્યું. પણ બાળકે સવિનય લેવાની ના પાડી. તે કહે, ‘તમે જ આપો.’ ખૂબ આગ્રહ કર્યો તો પણ તે બાળક માન્‍યો નહીં. વડીલે તેનું કારણ પૂછ્‍યું. બાળક કહે, ‘મારાં હાથથી લઉં તો ઓછી ચોકલેટ આવે. તમારાં હાથથી આપો તો ઘણી બધી ચોકલેટ આવે! વડીલ સ્‍તબ્‍ધ થઈ ગયાં.
વાત પણ સાચી છે, ભગવાનને આપણને ઘણું આપવું હોય છે. તો પછી આપણે ક્ષુલ્લક માંગણીથી તેમની સત્તા પર શા માટે કાપ મૂકવો જોઈએ?
———

Related posts

સેલવાસના વિવિધ વિસ્‍તારોમાં તંબાકુની બનાવટની વસ્‍તુ વેચનાર સામે પોલીસે કરેલી લાલ આંખ

vartmanpravah

દાનહમાં ડેંગ્‍યુના રોગચાળાને નાથવા પ્રદેશના આરોગ્‍ય સલાહકાર ડો. વી.કે.દાસે સંભાળેલો મોરચો

vartmanpravah

વલસાડ જિલ્લાની શાળાઓ સ્‍વચ્‍છતાના રંગે રંગાઈ, માનવ સાંકળ વડે ‘‘ક્‍લિન ઈન્‍ડિયા, ક્‍લિન વલસાડ”નો સંદેશ આપ્‍યો

vartmanpravah

કપરાડા વડોલી વિસ્તારમાં વટાળ પ્રવૃત્તિઓમાં વધારો: આવેદનપત્ર પાઠવાયું

vartmanpravah

પારડી જીવદયા ગ્રુપે લીલવણ નામના સુંદર દેખાતા સાપનું રેસ્‍કયુ કરી ઉગાર્યો

vartmanpravah

શ્રી માહ્યાવંશી વિદ્યાર્થી પ્રગતિ મંડળ વલસાડ દ્વારા ડી.ઝેડ.સી.એ. ક્રિકેટ ગ્રાઉન્‍ડ, કલવાડા ખાતે ડે-નાઈટ ટેનિશ ક્રિકેટ ટુર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

Leave a Comment