(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.08: પારડી તાલુકામાં બે અલગ અલગ સ્થળોએ જીવદયા ગ્રુપ દ્વારા 2 અજગરનું સફળ રેસ્કયુ કરવામાં આવ્યું હતું. પ્રથમ ઘટના ઉમરસાડી નાનીમાછીવાડ ખાતે જયકિશનભાઈ ટંડેલના ઘરે અજગર મરઘા શિકાર કરવા પાંજરામાં ભરાયો હતો. ટંડેલ પરિવારે આ અજગરને જોતા ભય લાગતા તેમણે જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અન્સારીને જાણ કરી હતી. જેથી ગ્રુપના સભ્ય યાસીન મુલતાની તરત જ સ્થળ પર પહોંચી ગયા હતા અને મહાકાય અજગરને સલામત રીતે પકડી પાડ્યો હતો. જેનાથી પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.
બીજી ઘટના સોનવાડા રોડ પર આવેલી પારડીના ડો. પી.વી. ઠોસરની વાડી નજીક અજગર નજરે આવ્યો હતો જેથી સ્થાનિકોએ ફરીથી અલી અન્સારીનો સંપર્ક કર્યો હતો અને યાસીન મુલતાની તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા અને તેઓએઅજગરને સુરક્ષિત રીતે પકડી પાડ્યો હતો. આમ જીવદયા ગ્રુપે એક જ દિવસમાં બે અલગ અલગ સ્થળે થી અજગરનું રેસ્કયુ કરવામાં આવ્યું હતું. આ બંને અજગરોના રેસ્કયુ બાદ વન વિભાગને જાણ કરવામાં આવી હતી અને જંગલમાં મુક્ત કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી જે અંગેની માહિતી જીવદયા ગ્રુપ દ્વારા મંગળવારના રોજ બપોરે 11:00 કલાકે આપવામાં આવી હતી.

Previous post