સંઘપ્રદેશ પ્રશાસન ગરીબ, સામાન્ય કામદારોનું શોષણ કરતી લેભાગુ કંપનીઓ સામે કાયદાકીય પગલાં ભરે એવી ઉઠેલી બુલંદ માંગ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.09 : દાદરા નગર હવેલીના નરોલી ગામ ખાતે ચેકપોસ્ટ નજીક આવેલ ગાંધાર ઓઇલ રિફાઇનરી ઇન્ડિયા લિમિટેડ કંપનીના કર્મચારીઓ પગાર વધારા મુદ્દે હડતાલ પર ઉતર્યા હતા, જેઓએ જણાવ્યું હતું કે અમે લોકો છેલ્લા દસ વર્ષથી આ કંપનીમાં નોકરી કરી રહ્યા છીએ. છતાં પણ કંપની સંચાલકો દ્વારા અત્યાર સુધી એકપણ વખત પગાર વધારો કર્યો નથી. જ્યારે અમે પગાર વધારવા માટે વાત કરીએ છીએ તો 20થી વધુ કર્મચારીઓને નોકરી પરથી કાઢી મુકવામાં આવ્યા છે.
કામદારોના જણાવ્યા પ્રમાણે કંપની અમારા પાસે લઘુત્તમ વેતનધારાથી ઉપરવટ જઈ વધુ કામ કરાવે છે. અને જે કામદારોને કાઢી મુકવામાં આવ્યા છે તેઓએ બાકી પગાર બાબતે અરજ કરી તો કંપની સંચાલકો દ્વારા કોઈ જ જવાબ આપવામાં આવ્યો નથી. કામદારોએ વધુમાં જણાવ્યું છે કે, અમને ન્યાય નહીં મળશે તો અમે છેલ્લે લેબર ઓફિસ અને ઉચ્ચ કક્ષાએ પણ ફરિયાદ કરીશું અને ન્યાય માટે લડત ચલાવીશું. તે પહેલાં સંઘપ્રદેશ પ્રશાસન પણ આ તરફ ધ્યાન આપે અને ગરીબ સામાન્ય કામદારોને યોગ્ય ન્યાય અપાવે એવી અમારી નમ્ર અરજ છે.