બુટલેગરે બેફામ કાર ચલાવી મોતીવાડા બ્રિજ પાસે મોટરસાયકલ તથા બલેનો કારને અડફેટે લીધાઃ પોલીસે દારૂ અને કાર મળી કુલ રૂા.1,21,000નો મુદ્દામાલ કબજે કરી આરોપીની કરેલી ધરપકડ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.18: દમણ મોટી વાંકડ સ્કૂલ ફળિયા ખાતેરહેતો ધનેશ ધીરુભાઈ કો. પટેલ સેવરોલેટ ગાડી નંબર જીજે 15 પીપી 0087 માં ગેરકાયદેસર બીયર નંગ 360 કિંમત રૂા.36,000 ભરી ગુજરાતની સરહદ પાતળિયા ચેકપોસ્ટ પાસ કરી રહ્યો હતો. આ દરમિયાન ફરજ પરના પારડી પોલીસની ટીમે ગાડી રોકવાનો ઇશારા કરતા ધનેશે પોતાની ગાડી પુરપાટ ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી ચેકપોસ્ટથી ભાગી છુટયો હતો. આ દરમિયાન તેણે મોતીવાડા બ્રિજ રોડ પાસે આગળ ચાલી રહેલ પેશન મોટરસાયકલ નંબર જીજે 15 6082 ના ચાલક જયેશભાઈઈશ્વરભાઈ પટેલને અડફટે લેતા મોટરસાયકલ પાછળ બેઠેલ હર્ષિદાબેન જયેશભાઈ પટેલ રહે.ડુંગરી સુથારવાડને હાથ-પગમાં ઈજાઓ પહોંચી હતી તથા મોટરસાયકલને પણ ઘણું નુકસાન થયું હતું એટલેથી નહીં અટકતા આ બુટલેગરે ફરીથી ત્યાંથી પોતાની ગાડી ભગાવી આગળ ચાલી રહેલ બલેનો કાર નંબર જીજે 15 સીએચ 6702 ને ટક્કર મારતા તેની સેવરોલેટ કાર ત્યાં જ અટકી જતા આ બુટલેગર પારડી પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.
પારડી પોલીસે તપાસ કરતા ગાડીમાંથી 360 નંગ બિયર કિંમત રૂા.36,000, ગાડીની કિંમત રૂા.80,000 અને 5,000 ના મોબાઈલ મળી કુલ રૂા.1,21,000 નો મુદ્દામાલ કબજે લઈ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.