(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.23: શ્રી ઘનશ્યામ વિદ્યામંદિરમાં દીપોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવ સંચાલિત શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર અને સ્વામિનારાયણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકશાળા સલવાવ દ્વારા વચનામૃતમ સભાખંડમાં સભાનું આયોજન શાળાના આચાર્ય ચંદ્રવદન પટેલના માર્ગદર્શનમાં પ્રહલાદ ગ્રુપના શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત શ્લોકો, પ્રાર્થના અને ભજન દ્વારા કરવામાં આવી હતી. જે બાદ દિવાળી પર્વ એટલે પ્રકાશ, પ્રેમ અને આનંદનો પર્વ હોય દિવાળી અંગે ધોરણ 10 ની વિદ્યાર્થીની જેનીશા ફળદુ દ્વારા સુંદર વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં દિવાળીએ હિંદુ ધર્મનો મહત્વપૂર્ણ તહેવાર છે વર્ષનો અંતિમ દિવસ એટલે દિવાળી. જેને દીપોત્સ્વી કે દિપાવલી તરીકે ઉજવાય છે. અસત્ય પર સત્યના વિજયને પ્રદર્શિત કરતો આ તહેવાર અંતરના અંધકારને ઉલચવાનો દિવસ. આ દિવસે ભગવાન રામ લંકા જીતીને 14 વર્ષે પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે અયોધ્યા પરત ફર્યા તેની ખુશીમાં દિવાળી ઉજવવામાં આવે છે. જે વક્તવ્ય રજૂ કર્યા બાદ દિવાળી પર્વને લઈ ધોરણ 3 થી 8 ની વિદ્યાર્થીનીઓ દ્વારા દિવાળી નૃત્ય તેમજ ધોરણ 9 અને 11 ના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર નૃત્ય સાથે નાટકને રજૂ કરી સૌને દિવાળી પર્વ આજે જ હોય એવો અહેસાસ કરાવ્યો હતો. જે બાદ પૂજ્ય કપિલ સ્વામીજી દ્વારા નાનપણથી જ બાળકોને સંસ્કારો અને શિક્ષણનું સિંચન ખૂબ જરૂરી હોવાનું સાથે જ દિવાળી પર્વના પાંચ દિવસો જે ખાસ માનવામાંઆવતા હોય છે જેમાં ધન તેરસના દિવસે માતા લક્ષ્મીનું તથા પુસ્તકોનું પૂજન કરવું, કાળી ચૌદસના દિવસે મહાકાળીનું પૂજન, શ્રીરામના અયોધ્યા આગમનની ખુશીમાં દીવડા પ્રગટાવવા, ત્યારબાદ બેસતુ વર્ષ એટલે નવા વર્ષની નાના બાળકોથી લઈને મોટેરાઓ સુધીના દરેકને શુભેચ્છાઓ આપવી અને ભાઈ બહેનના પવિત્ર પ્રેમને સમર્પિત ભાઈબીજની ઉજવણી કરવામાં આવતી હોય જે અંગે વિસ્તૃત જાણકારી આપી બોધવચનો, આર્શીવચનો અને સૌને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવવામાં આવી હતી.